- ઇંગ્લેન્ડમાંથી પરત લવાયેલુ સોનુ હવે વોલ્ટમાં સુરક્ષિત રહેશે
- ભારતે વિદેશમાં 413 ટન કરતા વધારે સોનાનો સંગ્રહ કરી રાખ્યો છે
નવી દિલ્હી
૧૯૯૧માં બ્રિટન પાસે ગીરવે મુકવામાં આવેલુ ટનબંધ સોનુ પરત લાવવામાં ભારતને સફળતા મળી છે. ભારત ૧૦૦ ટન સોનુ પાછુ લાવ્યું છે અને તે હવે ભારતના સુરક્ષિત વોલ્ટમાં રાખવામાં આવશે.આગામી મહિનાઓમાં પણ 100 ટનથી વધારે સોનું આ રીતે યુકેથી ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે. 1991 પછી પહેલી વખત એવું બન્યું છે જ્યારે રિઝર્વ બેન્ક આટલા મોટા પ્રમાણમાં સોનાને ભારતમાં ખસેડ્યુ છે. 1991માં આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે ભારતે વિદેશમાં સોનું ગીરવે મૂકીને ફંડ લેવું પડ્યું હતું.
અધિકારીઓએ કહ્યું કે લોજિસ્ટિક્સના કારણોથી અને સ્ટોરેજને ડાઈવર્સિફાઈ કરવા માટે અત્યારે સોનાને યુકેથી ભારત ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.
ભારતે બ્રિટનથી 100 ટન સોનું સ્વદેશ શિફ્ટ કર્યું તેમાં લોજિસ્ટિક્સની બહુ મોટી ચેલેન્જ ઉઠાવવી પડી હતી કારણ કે તેમાં ઘણું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું અને બહાર કોઈને ખબર ન પડે તેની કાળજી રાખવામાં આવી હતી. આખી પ્રક્રિયામાં જબ્બરજસ્ત કોઓર્ડિનેશન કરવામાં આવ્યું હતું અને તેમાં નાણા મંત્રાલય, આરબીઆઈ અને સરકારના કેટલાક વિભાગોએ સહયોગ કરીને આખી કામગીરી પાર પાડી હતી.
લેટેસ્ટ ડેટા પ્રમાણે માર્ચના અંતમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પાસે 822 ટન સોનું હતું. તેમાંથી 413.8 ટન સોનું વિદેશમાં રાખવામાં આવેલું છે. તાજેતરમાં ઘણા દેશોની સેન્ટ્રલ બેન્કોએ બજારમાંથી સોનું ખરીદ્યું છે અને તેમાં આરબીઆઈ પણ સામેલ છે. સોનાનો ભાવ સતત વધતો હોવા છતાં આરબીઆઈ દ્વારા ગોલ્ડની ખરીદી કરવામાં આવી છે. છેલ્લા એક ફાઈનાન્શિયલ વર્ષમાં આરબીઆઈએ 27.5 ટન સોનું ખરીદ્યું છે.
આખી દુનિયામાં ઘણી સેન્ટ્રલ બેન્કો સોનું ખરીદ્યા પછી પોતાના દેશમાં તેને ટ્રાન્સફર નથી કરતી, પરંતુ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પાસે પોતાનું સોનું સ્ટોર કરાવી રાખે છે. આરબીઆઈ પણ આવું જ કરે છે. ભારત આઝાદ થયું તે અગાઉથી ભારતનું કેટલુંક સોનું લંડનમાં પડ્યું છે.
ભારતીય રિઝર્વ બેન્કે કેટલાક વર્ષ અગાઉ સોનાની ખરીદી શરૂ કરી હતી અને આ ગોલ્ડ ક્યાં સ્ટોર કરી રાખવું તેની પણ સમીક્ષા કરી હતી. વિદેશમાં ભારતના સોનાનો જથ્થો વધતો જતો હતો તેથી તેમાંથી કેટલુંક સોનું ભારત લાવવાનો નિર્ણય લેવાયો હતો તેમ આરબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું.
ચંદ્રશેખરની સરકાર પછી દેશની આર્થિક સ્થિતિ એવી ડામાડોળ થઈ હતી કે 1991ની શરૂઆતમાં બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટીમાંથી બહાર આવવા માટે આપણે વિદેશમાં સોનું ગીરવે મૂકવું પડ્યું હતું. રિઝર્વ બેન્કે લગભગ 15 વર્ષ અગાઉ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી લગભગ 200 ટન સોનું ખરીદ્યું હતું ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાનો જથ્થો વધતો જાય છે. ભારત આટલા બધા પ્રમાણમાં સોનાની ખરીદી કરે છે અને સોનાનો ભાવ પણ વધતો જાય છે જે આ દેશની નાણાકીય ક્ષમતા અને કોન્ફીડન્સ દેખાડે છે. 1991 કરતા અત્યારે સ્થિતિ એકદમ અલગ છે. 1991માં ભારતે સોનું ગીરવે મૂકવાની નોબત આવી હતી જ્યારે અત્યારે ભારત સતત ગોલ્ડ ખરીદતો દેશ છે.