ચૂંટણીના પરિણામો સુધી શેરબજારમાં અફડા તફડીનો માહોલ રહેશે
આવનારા ત્રણ મહિના શેરબજાર માટે ખૂબ મહત્વના
વિદેશી નાણાકીય સંસ્થાઓની ભૂમિકા અગત્યની
NSE માં પાંચ મહિનામાં એક કરોડ નવા ગ્રાહકો નોંધાયા
લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક આવી ગઈ છે. જેને લઈને બજારમાં આવનારા ત્રણ મહિના ખૂબ જ મહત્વના બની રહેશે. બજારમાં મોટી અફડા તફડી વધઘટ જોવા મળી શકે છે. છેલ્લા બે મહિનાથી વિદેશી નાણાકીય સંસ્થાઓ શેરબજારમાં વેચવાલ છે. છેલ્લા બે મહિનામાં જ ફક્ત 52,000 કરોડના શેરો વિદેશી નાણાકીય સંસ્થાઓએ શેરબજારમાં વેચ્યા છે. બીજી બાજુ ભારતીય નાણાકીય સંસ્થાઓએ 52,000 કરોડના શેરોની ખરીદી કરી છે. આમ,વિદેશી નાણાકીય સંસ્થાઓ શેરો વેચી રહી છે જ્યારે ભારતીય નાણાકીય સંસ્થાઓ ખરીદી કરી રહી છે. બંનેના સામસામા રાહ છે તેવો અભિપ્રાય રાજકોટનાં શેરબજારના અગ્રણી પરેશભાઈ વાઘાણીએ વ્યક્ત કર્યો છે.
બીજી બાજુ દેશમાં રોકાણકારોની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. છેલ્લા પાંચ મહિનામાં NSE માં એક કરોડ નવા રોકાણકારો ઉમેરાયા છે. પ્રાઇમરી માર્કેટમાં પણ ખૂબ મોટો બૂમ જોવા મળી રહ્યો હોય. નવા ડિમેટ ટ્રેડિંગ એકાઉન્ટ ખુલી રહ્યા છે. એક્સચેન્જમાં હાલમાં 16 કરોડ 90 લાખ એકાઉન્ટ રજીસ્ટડ થયા છે. નવા રોકાણકારોનો અવિરત પ્રવાહ બજાર તરફ જોવા મળી રહ્યો છે. ટેક્સ કલેક્શનના આંકડાઓ માં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને GST કલેક્શનમાં દર મહિને ઉછાળો જોવા મળી રહ્યો છે.આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રોકાણકારો હાથ પર ફંડ રાખીને બેઠા છે. દરેક ઘટાડે શેરો લેવા માટે આવી જાય છે.
ખાસ કરીને બેન્કોના શેરોમાં મોટી અફડા તફડી જોવા મળી રહી છે. કારણ કે વિદેશી નાણાકીય સંસ્થાઓ બેન્કોના શેરોમા મોટાપાયે એ માલ વેચી રહી છે. શેરબજારના નિષ્ણાત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યા અનુસાર સામાન્ય રોકાણકારોએ ચૂંટણીની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી સાવચેત રહેવું જોઈએ અને હાથ પર રોકડ રાખીને બેસવું જોઈએ જેથી કરીને મોટો ઘટાડો કોઈ પણ કારણસર આવે તો ત્યારે ખરીદી કરી શકાય.
તેમણે કહ્યું છે કે, ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા પછી પૂર્ણ બજેટ પણ આવશે. નવી સરકાર અગત્યની જાહેરાતો પણ કરશે ત્યારે પણ બજારમાં મોટી વધઘટ આવી શકે છે.
આવનારા દિવસોમાં વ્યાજદરોમાં પણ જો કોઈ મોટો ફેરફાર આવે તો તે પણ બજારને અસર કરશે.2024 માં અન્ય ઘણા દેશોમાં પણ ચૂંટણીઓ આવી રહી છે. જેની અસર પણ ભારતના શેરબજાર પર જોવા મળશે.હાલમાં મ્યુચ્યુઅલ ફંડમાં મોટું રોકાણ આવી રહ્યું છે જેને લઈને બજારમાં મોટા પ્રમાણમાં નાણા ઠલવાય રહ્યા છે.
નાણાકીય વર્ષ 2024 ના છેલ્લા ક્વાર્ટરના પરિણામો પણ એપ્રિલ મહિનામાં જાહેર થશે. મેં મહિનામાં ચૂંટણીના પરિણામો જાહેર થશે આને લઈને આવનારા દિવસો શેર બજાર માટે ખૂબ જ મહત્વના સાબિત થશે.
રોકાણકારોએ સાવચેતીનો સૂર રાખી રોકડ ઉપર બેસવાની જરૂર છે. મોટો ઘટાડો આવે તો ત્યારે ખરીદી કરી શકાય અને ઉછાળો આવે તો પોતાની પાસે રહ્યા શેરો વેચીને નફો મેળવી શકાય.