રેમન્ડના પરિવારમાં હવે કોઈ કમ્પલિટ મેન નથી ?: ૨૦૦૭થી પરિવારમાં ભાગબટાઈનો ડખ્ખો
રોકાણકારોને ભારે મોટી નુકસાનીમાંથી બચાવવા કંપનીના સ્વતંત્ર ડાયરેક્ટરો મેદાનમાં આવ્યા: અત્યાર સુધી ૧૫૦૦ કરોડથી વધુની ખોટ શેર હોલ્ડરોને થઈ છે: નુકસાની અટકાવવામાં નહીં આવે તો કંપની બંધ પડી જવાનો ભય
રેમન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમ સિંઘાનીયા વર્તમાન સમયમાં પત્ની નવાઝ મોદી સિંઘાનીયા સાથે છૂટાછેડાના કરાર અને તે માટેની કાનૂની કાર્યવાહીમાં ગૂંચવાયેલા છે અને આ કામગીરીને અંતિમ રૂપ આપી રહ્યા છે. સિંઘાનીયા પર ઘરેલું હિંસાના પત્નીએ આરોપો લગાવ્યા હતા અને ત્યારબાદથી ગૌતમની કંપનીના સ્ટોકને નુકસાની પહોંચી રહી છે.
જો કે રેમન્ડ ગ્રુપના ઈન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરોએ એમ કહ્યું છે કે, અમે લોકો કંપનીના રોકાણકારોને ગૌતમ સિંઘાનીયા અને પત્ની નવાઝ મોદીના વૈવાહિક વિવાદથી બચાવવા માટેનો દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છીએ અને તે માટેના દરેક પગલાં અમે લઈશું. ભારતીય પ્રોક્સી સલાહકાર પેઢી દ્વારા આ સપ્તાહે જ આ પ્રકારનું બયાન જારી કરવામાં આવ્યું હતું. ગૌતમ સિંઘાનીયાની વિરૂધ્ધમાં આરોપોની તપાસ શરૂ કરવા અને તેમની ચિંતાઓને દૂર કરવા માટે રોકાણકારો અને અન્ય હિતધારકો સાથે વાતચીત કર્યા બાદ આ પ્રકારનું નિવેદન આવ્યું છે અને તેનાથી સિંઘાનીયા તેમજ તેના રોકાણકારોને રાહત મળશે અને મોટી નુકસાની ન થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પેઢીએ એવી ભલામણ પણ કરી હતી કે, સિંઘાનીયાને તેમની પત્નીની છૂટાછેડાની સમજૂતિના વિવાદને જોઈને કંપનીમાં એક અસ્થાયી સીઈઓની નિમણૂક કરવી જોઈએ પરંતુ કંપનીના સ્વતંત્ર ડાયરેક્ટરોએ હજુ સુધી આવા કોઈ ફેરફાર માટેનું સમર્થન કર્યું નથી અને આ બારામાં કોઈ નિવેદન પણ આપ્યું નથી.
સ્વતંત્ર ડાયરેક્ટરો પાછલા કેટલાક સપ્તાહોથી આ મુદ્દા પર બેઠકો કરી રહ્યા છે અને સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ દરમિયાન કંપનીએ સ્ટોક એક્સચેન્જને એવી માહિતી આપી હતી કે, રેમન્ડ ગ્રુપના સ્વતંત્ર ડાયરેક્ટરોએ સિંઘાનીયા અને તેમની પત્ની વચ્ચેના ચાલી રહેલા વિવાદ વચ્ચે કંપનીને સલાહ દેવા માટે એક સ્વતંત્ર વરિષ્ઠ કાનૂની સલાહકારની નિમણૂક કરી છે. કંપની સાથે જોડાયેલા કોઈ મામલા પ્રભાવિત ન થાય અને રોકાણકારોને કોઈ નુકસાની ન થાય તે માટે આ નિયુક્તિ કરવામાં આવી છે.
રેમન્ડના પ્રોક્સિ એડવાઈઝરી પેઢીઓએ કંપનીના સ્ટોક પર સતત નજર રાખી છે અને સાથોસાથ એમનો અભિપ્રાય પણ એવો છે કે, જો આ રીતે જ ઝઘડો આગળ ચાલતો રહ્યો તો એમનો કારોબાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ શકે છે. આ પ્રકારની પેઢીએ કંપનીની અંદર થઈ રહેલા ફેરફારો અને ઘટનાક્રમ પર નજર રાખે છે અને શેરહોલ્ડરોને રજેરજની માહિતી પુરી પાડે છે.
આ પહેલાં એવા સમાચાર આવી ચૂક્યા હતા કે રેમન્ડ કંપનીના શેર હોલ્ડરોને વિવાદ બાદ સ્ટોકમાં આવેલી પછડાટથી રૂા.૧૫૦૦ કરોડથી વધુની નુકસાની ગઈ હતી. ગૌતમ સિંઘાનીયાના પિતા પણ આ પરિસ્થિતિથી ભારે ચિંતીત હતા. બીજી બાજુ ગૌતમ અને તેમના પિતા વિજયપત સિંઘાનીયા વચ્ચે મિલકતો અને સંપત્તીને લઈને લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે.
૨૦૦૭માં એમના પરિવારમાં ભાગબટાઈની સમજૂતિ થઈ હતી પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો અને ૨૦૧૭માં વિજયપત સિંઘાનીયાએ જાહેરમાં ગૌતમ પર આરોપો લગાવ્યા હતા અને છેતરપિંડી થયાની વાત કરી હતી. દેશ-વિદેશના મીડિયામાં પણ આ મામલો જોરદાર રીતે ઉછળ્યો હતો.