શેરબજારમાં વર્ષનો બીજો સૌથી મોટો કડાકો: સેન્સેક્સ 1390 પોઈન્ટ સુધી ગગડ્યો
અમેરિકી વહીવટી તંત્ર તરફથી રેસીપ્રોક્લ ટેરીફની અનિશ્ચિતતાને લીધે રોકાણકારોમાં બેસી ગયેલા ડરને લીધે ભારે વેચવાલી જોવા મળી હતી. મંગળવારે શેરબજારમાં ઇન્ટ્રા ડે મંદી છવાયેલી રહી હતી અને સેન્સેક્સ ૧૪૦૦ પોઈન્ટ તુટ્યો હતો. આ કડાકો આ વર્ષનો બીજો સૌથી મોટો કડાકો હતો.
નાણાકીય વર્ષના પહેલા જ દિવસે શેરબજારમાં કડાકો બોલી જતા રોકાણકારોએ 3.49 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. સેન્સેક્સ 1390 પોઈન્ટ (લગભગ 1.80%) ઘટીને 76,024 પર બંધ રહ્યો હતો જયારે નિફ્ટી 353.65 પોઈન્ટ ઘટીને 23,165.70 પર બંધ રહ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પની પ્રસ્તાવિત ટેરિફ જાહેરાતોને કારણે બજારમાં ભયનું વાતાવરણ છે. સૌથી મોટો ઘટાડો આઈટી શેરમાં જોવા મળ્યો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરોમાં ઘટાડો થયો. એચસીએલ ટેક, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ અને ઇન્ફોસિસ ટોચના ઘટાડા હતા, જેમાં લગભગ 4%નો ઘટાડો થયો હતો. NSE પર 50 શેરોમાંથી 36 શેરોમાં ઘટાડો થયો. નિફ્ટીમાં ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક અને મારુતિ સુઝુકીના શેર સૌથી વધુ ઘટ્યા હતા.