શેરબજાર કડાકા સાથે બંધ : સેન્સેક્સ 1062 પોઈન્ટ તુટ્યો, રોકાણકારોને મોટું નુકસાન
ભારતીય શેરબજારમાં મંદીએ અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. આજે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં સવારના કારોબારમાં સીમિત રેન્જમાં કારોબાર થતો હતો પરંતુ બાદમાં બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. આ મહિને પ્રથમ વખત સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. તે જ સમયે, નિફ્ટી પણ 300 થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.
આજે સવારે તે મર્યાદિત રેન્જમાં ખુલ્યો હતો, જેના કારણે રોકાણકારો બજારમાં વૃદ્ધિની અપેક્ષા રાખતા હતા. પરંતુ બપોરે 1 વાગ્યે બજારમાં ભારે ઘટાડા સાથે વેપાર શરૂ થયો હતો.
આજના કારોબારમાં સેન્સેક્સ 1062.22 પોઈન્ટ્સ અથવા 1.45 ટકા ઘટીને 72,404.17 પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ 335.40 પોઈન્ટ અથવા 1.5 ટકાના ઘટાડા સાથે 21,967.10 પર બંધ રહ્યો હતો. બજારમાં આ ઘટાડાથી રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.