શેરબજારમાં બ્લેક ફ્રાઈડે સેન્સેક્સ 738 પોઈન્ટ તુટ્યો : રોકાણકારોને 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
કેટલાક વખતથી ચાલી આવતી તેજી બાદ આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં મંદી ફરી વળી હતી અને સેન્સેક્સ ૭૩૮ પોઈન્ટ ઘટ્યો હતો. આજે નિફ્ટી પણ ૨૬૯ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.
આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. એનર્જી, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો હતો. આજના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ નીચે બંધ થયા હતા.
ભારતીય શેરબજારમાં આવેલા તીવ્ર ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 446.25 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 454.32 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 8.07 લાખ કરોડનું નુકસાન થયું છે.
આજે માઈક્રોસોફ્ટ આઉટેજની અસર બી.એસ.ઈ.કે એન.એસ.ઈ. ઉપર પડી નથી અને રાબેતામુજબ કામકાજ થયા હતા જો કે,કેટલાક રોકાણકારો પ્રભાવિત થયા હતા તેવું જાણવા મળ્યુ છે.
