BSEનાં ખાસ સત્રમાં સેન્સેક્સ 74,000, નિફ્ટી 22,500ની પાર
શનિવારે શેરબજારોમાં સ્પેશિયલ સેશન યોજવામાં આવ્યું હતું. બે અલગ-અલગ સેશનમાં થયેલાં કામકાજમાં બજારમાં તેજી થઈ હતી. બંને સેશનને અંતે નિફ્ટી 36 પોઇન્ટની તેજી સાથે 22,502ના સ્તરે અને સેન્સેક્સ 89 પોઇન્ટની તેજી સાથે 74,006ના સ્તરે બંધ થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.14 લાખ કરોડનો વધારો થયો હતો.
આજે પહેલું સ્પેશિયલ લાઇવ ટ્રેડિંગ સવારે 9.15 કલાકથી 10 કલાક સુધી અને બીજું સ્પેશિયલ સેશન સવારે 11.30 કલાકથી 12.30 કલાક સુધી આયોજિત થયું હતું.
પહેલા સેશનના પ્રારંભે રોકાણકારોની શેરોમાં લેવાલીથી સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી થઈ હતી. આ પછી બીજા સેશનમાં પણ શેરોમાં તેજી જારી રહી હતી. આ સપ્તાહે શેરોમાં બે ટકાની તેજી જોવા મળી હતી.