રોકાણકારોએ ભયની કિંમત ચૂકવી ૧૧ લાખ કરોડ
ઇઝરાયલ-ઈરાન યુધ્ધથી ઓઈલ સપ્લાય ખોરવાઈ જવાનો ભય
સેબીના નવા નિયમોથી સ્ટોક્સમાં કેટલું ટ્રેડિંગ થશે તેની ચિંતા
સેન્સેક્સમાં 1769 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી પણ 25,250ના સ્તરે
ભયની કિંમત કેટલી હોય છે તે ગુરુવારે ભારતના રોકાણકારોએ અનુભવ્યુ હતું. એક તરફ સેબીએ બનાવેલા ફ્યુચર ઓપ્શનના કડક નિયમોનો છૂપો ભય અને બીજી બાજુ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુધ્ધ થવાની અટકળોએ ગુરુવારે શેરબજારમાં રોકાણકારોને રોતા કરી દીધા હતા. આખો દિવસ મંદી રહી હતી અને રોકાણકારોના અંદાજે ૧૧ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.
મિડલ ઈસ્ટની સ્થિતિએ રોકાણકારોને ચિંતિત કરી દીધા છે. ઈરાન જો યુદ્ધમાં કૂદી પડે તો ઓઈલના સપ્લાયને અસર થશે અને ઓઈલના ભાવમાં ભડકો થવાની શક્યતા જોવા મળી રહી છે. રોજે રોજ નવી ઊંચાઈ પ્રાપ્ત કરતા સેન્સેક્સમાં ગુરુવારે લગભગ 1769 પોઈન્ટનું તોતિંગ ગાબડું પડ્યું હતું. નિફ્ટી પણ 25,250ની સપાટી નીચે આવી ગયો હતો. સત્ર પૂરું થયું ત્યારે સેન્સેક્સ 2.10 ટકા ઘટીને 82,497 પર બંધ આવ્યો હતો.
બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલ 10.56 લાખ કરોડ રૂપિયા ઘટીને 464.3 લાખ કરોડ સુધી આવી ગયું હતું.આજે ઘટનારા ટોચના શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્કનો સમાવેશ થાય છે.
શેરબજારમાં આજના ઘટાડા માટે મિડલ ઈસ્ટની કટોકટી ઉપરાંત સૌથી મોટું કારણ ઓઈલ સપ્લાય ખોરવાઈ જવાની ચિંતા છે. ઈરાન એ ફ્યુઅલનું મોટું ઉત્પાદક છે અને તે વોરમાં ઝંપલાવે તો દુનિયા માટે જોખમ પેદા થઈ શકે છે.
આ ઉપરાંત સેબીએ એફ એન્ડ ઓના નિયમોને વધારે ચુસ્ત બનાવ્યા છે કારણ કે એફ એન્ડ ઓમાં મોટા ભાગના યુવાન રોકાણકારો ભારે ખોટ સહન કરે છે. આ નિર્ણયે પણ બજારમાં ઘટાડામાં ભૂમિકા ભજવી છે. સેબીએ કોન્ટ્રાક્ટ સાઈઝ વધારી છે, તથા દર એક્સચેન્જ દીઠ વીકલી એક્સપાયરીને માત્ર એક સુધી મર્યાદિત કરી છે. તેથી હવે સ્ટોક્સમાં કેટલું ટ્રેડિંગ થશે તે વિશે રોકાણકારો ચિંતિત છે.
ભારતીય બજાર ઘટવા માટે ચોથું મહત્ત્વનું પરિબળ ચીનનું છે. ચાઈનીઝ સ્ટોક્સમાં જોરદાર તેજી આવી તેથી ઈન્વેસ્ટરોને ચિંતા છે કે મોટા રોકાણકારો ભારતમાંથી મૂડી ઉપાડીને ચીનમાં ઈન્વેસ્ટ કરી દેશે.
