અદાણી ગ્રુપના શેરોમાં મંગળવારે કેવી ચાલ રહી ? જુઓ
અમેરિકી શૉર્ટ સેલર હીંડનબર્ગ દ્વારા સેબીના વડા સામે અદાણી સાથે સાંઠગાંઠનો આરોપ મુકાયા બાદ પણ અદાણી ગ્રુપને માર્કેટમાં કોઈ અસર થઈ નથી. અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી નવના શેરમાં મંગળવારે શરૂઆતના વેપારમાં વેગ મળ્યો હતો. એક દિવસ પહેલા જ આ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે તેજી પાછી ફરી હતી.
મંગળવારે અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં તીવ્ર વધારો થયો હતો અને તે છ ટકા વધ્યો હતો. અદાણી ટોટલ ગેસના શેરમાં ચાર ટકા, એનડીટીવીમાં 2.56 ટકા અને અદાણી ગ્રીન એનર્જીનો શેર 2.55 ટકા વધ્યો હતો.
અદાણી વિલ્મરનો શેર 2.15 ટકા, એસીસી 1.93 ટકા, અદાણી પાવર 1.74 ટકા, અદાણી પોર્ટ્સ 1 ટકા અને અંબુજા સિમેન્ટ્સ 0.43 ટકા વધ્યો હતો. શરૂઆતના કારોબારમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
અમેરિકન રિસર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ સોમવારે અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો થયો હતો. જો કે તે પણ બહુ ચિંતાજનક નહતો તેમ નિષ્ણાતોએ કહ્યું છે.
હિંડનબર્ગે નવીનતમ અહેવાલમાં શું કહ્યું?
હિન્ડેનબર્ગે શનિવારે મોડી રાત્રે જાહેર કરેલા તેના નવા અહેવાલમાં જણાવ્યું હતું કે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચએ બર્મુડા અને મોરિશિયસમાં અઘોષિત ઓફશોર ફંડ્સમાં અઘોષિત રોકાણ કર્યું હતું.
તેમણે કહ્યું કે આ એ જ ફંડ છે જેનો ઉપયોગ વિનોદ અદાણી દ્વારા કથિત રીતે ફંડની ઉચાપત કરવા અને ગ્રુપ કંપનીઓના શેરના ભાવ વધારવા માટે કરવામાં આવ્યો હતો. વિનોદ અદાણી અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીના મોટા ભાઈ છે.