મિડલ ક્લાસની ચિંતાથી સરકાર વાકેફ છે : નાણામંત્રી નિર્મલાનો બજેટમાં રાહતનો સંકેત
નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત : ડિસેમ્બરથી શરુ થશે બજેટ બેઠકોનો પ્રારંભ
આગામી ૨૦૨૫-૨૬ના બજેટને હજુ ઘણો સમય બાકી છે કારણ કે બજેટ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ રજૂ કરવામાં આવશે. આવતા મહિનાથી નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટને લઈને પરામર્શનો રાઉન્ડ શરૂ કરશે. આ પહેલા નાણામંત્રીએ મધ્યમ વર્ગને રાહત આપવા અંગે મોટા સંકેતો આપ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝરની પોસ્ટના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે, અમે તમારી ચિંતાઓથી વાકેફ છીએ. નાણામંત્રીએ લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર એક પ્રતિભાવશીલ સરકાર છે જે લોકોનો અવાજ સાંભળે છે અને તેમને ઉકેલ પણ આપે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તુષાર શર્મા નામના યુઝરે પોતાની પોસ્ટમાં નાણા મંત્રી સીતારમણને ટેગ કર્યા છે હું તમને નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે, મધ્યમ વર્ગને થોડી રાહત આપવા અંગે વિચાર કરો. યુઝરે આગળ લખ્યું, હું આમાં સામેલ પડકારોને સારી રીતે સમજું છું, પરંતુ આ માટે મારી હાર્દિક વિનંતી છે.
તુષાર શર્માની આ પોસ્ટ પર નાણામંત્રીએ પણ પ્રતિક્રિયા આપી હતી. નિર્મલા સીતારમણે લખ્યું, આ શબ્દો અને તમારી સમજ માટે હું તમારો આભાર માનું છું. હું તમારી ચિંતાઓને ઓળખું છું અને પ્રશંસા કરું છું. નાણામંત્રીએ લખ્યું, વડાપ્રધાન મોદીની સરકાર એક જવાબદાર સરકાર છે જે લોકોનો અવાજ અને તેમની લાગણીઓ સાંભળે છે અને તેમને ઉકેલ પણ આપે છે. યુઝરનો આભાર માનતા નાણામંત્રીએ લખ્યું, તમારું ઇનપુટ ખૂબ મૂલ્યવાન છે.
તાજેતરના સમયમાં એવું જોવા મળ્યું છે કે, મધ્યમ વર્ગ મુશ્કેલીમાં છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના ફુગાવાના દરના આંકડા દર્શાવે છે કે, સામાન્ય લોકો અને ખાસ કરીને મધ્યમ વર્ગ પર મોંઘવારીનો બોજ વધ્યો છે. ઑક્ટોબર 2024 માં, છૂટક ફુગાવો 6.21 ટકાના 14 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે જ્યારે ખાદ્ય ફુગાવો 11 ટકાના 10.87 ટકાની આસપાસ છે.