ગોપાલ સ્નેક્સ લિમિટેડનો IPO જુઓ ક્યારે ખુલશે
પ્રાઈસ બેન્ડ રૂ. 381 થી રૂ. 401 પ્રતિ ઈક્વિટી શેર નિર્ધારિત કરાઈ
રાજકોટ સ્થિત ગોપાલ સ્નેક્સ લિમિટેડ (“કંપની”) એ તેની પ્રારંભિક પબ્લિક ઓફર માટે દરેક રૂ. 1 ની મૂળ કિમતના ઈક્વિટી શેર માટે પ્રાઈસ બેન્ડ રૂ. 381 થી રૂ. 401 પ્રતિ ઈક્વિટી શેર નિર્ધારિત કરી છે. કંપનીનું પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (“આઈપીઓ” અથવા “ઓફર”) ભરણા માટે બુધવાર, 06 માર્ચ, 2024ના રોજ ખુલશે અને સોમવાર, 11 માર્ચ, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો ન્યૂનતમ 37 ઈક્વિટી શેર અને તેથી વધુમાં 37 ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે.
આ સમગ્ર ઈસ્યુ ઓફર ફોર સેલનો છે અને તેની કુલ રકમ રૂ. 650 કરોડ જેટલી થાય છે.
ગોપાલ સ્નેક્સ લિમિટેડ (“કંપની”) પોતાની ગોપાલ બ્રાન્ડ હેઠળ એથનિક સ્નેક્સ, વેસ્ટર્ન સ્નેક્સ તથા અન્ય પ્રોડક્ટ્સ ઓફર કરતી એક ફાસ્ટ મુવિંગ કન્ઝયુમર ગુડ્ઝ કંપની છે. તેની સ્થાપના 1999માં એક ભાગીદારી પેઢી તરીકે કરવામાં આવી હતી અને એ પછી 2009માં તેની કંપની તરીકે નોંધણી કરાઈ હતી.
કંપની પોતાની ગોપાલ બ્રાન્ડ હેઠળ સ્વાદિષ્ટ પ્રોડક્ટ્સની એક વિશાળ શ્રેણી ઓફર કરે છે અને તેમાં નમકીન તથા ગાંઠિયા જેવા એથનિક સ્નેક્સ, વેફર્સ જેવા વેસ્ટર્ન સ્નેક્સ, એક્સટ્રુડર સ્નેક્સ અને સ્નેક પેલેટ્સ તથા પાપડ, તેજાના – મસાલા, બેસન (ચણાનો લોટ), નૂડલ્સ, રસ્ક અને સોન પાપડી જેવા સેમિ-પેરિશેબલ ફાસ્ટ મુવિંગ કન્ઝયુમર ગુડ્ઝનો સમાવેશ થાય છે.
આ ઓફર બુક બિલ્ડીંગ પ્રોસેસના માધ્યમથી કરવામાં આવી રહી છે અને તેમાં પ્રમાણસરના ધોરણે 50% થી વધુ નહીં એટલો હિસ્સો ક્વોલીફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે, 15% થી ઓછો નહીં એટલો હિસ્સો બિન-સંસ્થાકિય બાયર્સને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે તથા ચોખ્ખી ઓફરનો 35% થી ઓછો નહીં એટલો હિસ્સો રીટેઈલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે.