વિશ્વમાં મંદીના સંકેત પણ ભારતનું અર્થતંત્ર સડસડાટ દોડશે
ઓઇસીડીનો અહેવાલ,2024 માં પણ ભારત ઝડપી પ્રગતિ કરશે
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સતત ઘટાડાના સંકેત દેખાઈ રહ્યા છે ત્યારે ભારતની જીડીપી સૌથી ઝડપી વધી રહી છે. વર્ષ 2023 અને 2024માં પણ ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. આ સમયગાળામાં છુટક ફુગાવો પણ જી-20 દેશો કરતા ઓછો રહેશે અને ખાસ વાત એ છે કે તે આરબીઆઇના અંદાજ મુજબ 6 ટકાની સંતોષકારક રેન્જમાં રહેશે.
ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ગઈકાલે જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર 2023માં ભારતનો વિકાસ દર 6.3 ટકા અને વર્ષ 2024માં 6 ટકા રહેવાની સંભાવના છે.
વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આ સૌથી વધુ છે. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થાની વૃદ્ધિ દર ક્રમશ 3 ટકા અને 2.7 ટકા રહેવાની શક્યતા છે. જી -20 માં સામેલ વિકસિત દેશોની અર્થવ્યવસ્થાનો વિકાસ 2023માં 1.5 ટકા અને વર્ષ 2024માં 1.2 ટકા રહેવાની સંભાવના છે.
રિપોર્ટના જણાવ્યા અનુસાર વિશ્વમાં આર્થિક તણાવ અને સંરક્ષણવાદના વધુ દેખાત સંકેતો હોવા છતાં જ્યા સુધી ફુગાવો અંકુશમાં ન આવે ત્યા સુધી કેન્દ્રિય બેંકોએ વ્યાજ દરો વર્તમાન સ્તર કરતા ઊંચા રાખવા જોઈએ. સંસ્થાના મુખ્ય આર્થશાસ્ત્રી ક્લેર લોમ્બાર્ડેલીએ કહ્યું હતું કે નાણાકિય નીતિને સરળ બનાવવા પર વિચાર કરતા પહેલા ફુગાવાને હરાવવામાં સતત પ્રગતિ જોવી જરુરી છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં ભારતમાં છુટક ફુગાવો 5.3 ટકા રહી શકે છે જે વર્ષ 2024માં ઘટીને 4.8 ટકા થઈ જશે. આ સમયગાળા દરમિયાન G-20 દેશોમાં ક્રમશ 6 ટકા અને 4.8 ટકા રહેવાની શક્યતા છે.