શેરબજારમાં એફ.આઈ.આઈનું કમબેક : ધૂમ ખરીદી
યુએસ ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અસર
સપ્ટેમ્બરમાં 26,336 કરોડના શેરોની ફંડોએ કરી ખરીદી
ભારતીય શેરબજારમાં વિદેશી નાણાકીય સંસ્થાઓ દ્વારા શુક્રવારે 14,064 કરોડની ખરીદી કરવામાં આવી છે. ફક્ત સપ્ટેમ્બર મહિનામાં જ વિદેશી નાણાકીય સંસ્થાઓ દ્વારા 26,336 કરોડના શેરોની ભારતીય શેર બજારમાં ખરીદી કરવામાં આવી છે. જેને લઈને શેર બજારમાં તેજીનો જુવાળ ફાટી નીકળ્યો છે. સેન્સેક્સ 84,800 ની ઉપર ટ્રેડ કરતો થયો છે.
બીજી બાજુ પ્રાઇમરી માર્કેટમાં મંગળવારે એકી સાથે નવ આઈ.પી.ઓ ના લિસ્ટિંગ છે. આ વીક માં દસ થી વધુ આઈ.પી.ઓ સબસ્ક્રીપ્સન માટે બજારમાં આવશે. આમ પ્રાઇમરી માર્કેટ પણ ધમધમી રહ્યું છે. નવ-નવ આઈ.પી.ઓ ના લિસ્ટિંગ એક જ દિવસમાં થવા તે પણ એક ઐતિહાસિક ઘટના છે પ્રાઇમરી માર્કેટમાં 5,000 કરોડના આઈ.પી.ઓ સબસ્ક્રીપ્સન થવા તે એક સામાન્ય થઈ રહ્યું છે. વિદેશી નાણાકીય સંસ્થાઓ ના કમ બેક ની અસર સેકન્ડરી માર્કેટમાં જોરદાર પડશે અને નવી તેજીના મંડાણ થશે. પ્રાઇમરી માર્કેટમાં ટાટા,બજાજ અને હુંડાઈ જેવી નામી કંપનીઓના આઇ.પી.ઓ પ્રાઇમરી માર્કેટમાં તેજીના પ્રાણ ફૂંકી રહી છે.
શેર બજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યાનુસાર , આવનારા દિવસોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાની શક્યતા પૂરેપૂરી છે. વિશ્વમાં વ્યાજદરો નો ઘટાડો શેરબજારો માટે ફાયદાકારક જ હોય છે. જ્યારે-જ્યારે વ્યાજદરો ઘટે છે,ત્યારે રોકાણકારો બેન્કોમાં ફિક્સ ડિપોઝીટો માંથી રૂપિયા અન્ય જગ્યાએ ઠાલવતા હોય છે. આમાં સૌથી વધુ અને પહેલી પસંદ શેરબજાર જ હોય છે અને ઓવરઓલ જોવા જઈએ,તો છેલ્લા ઘણા વર્ષોમાં બેંક કરતાં વધુ વળતર શેર બજારે આપ્યું છે. જેથી લોકોનો વિશ્વાસ શેરબજાર તરફ જોવા મળી રહ્યો છે.
સોના-ચાંદીમાં પણ હાલમાં તેજીનો જુવાળ જોવા મળી રહ્યો છે,પરંતુ લોકોની રોકાણ કરવા માટેની પહેલી પસંદ મ્યુચ્યુઅલ ફંડ કે પછી ડાયરેક્ટ શેર બજારમાં રોકાણ કરવાની હોય છે.
આવનારા દિવસોમાં કંપનીઓના ત્રિમાસિક પરિણામો જાહેર થશે. કંપનીઓના પરિણામો પર બજારની આગામી ચાલ નક્કી થશે.આવનારી રિઝર્વ બેન્કની પોલીસી પણ બજાર પર સકારાત્મક અસર કરી શકે છે. સરવાળે શેર બજારમાં તેજીનું વાતાવરણ જળવાયેલું રહેશે.