શેરબજારમાં તેજીનું વાવાઝોડું : વાંચો સેન્સેક્સે કેટલો રેકોર્ડ તોડી નાખ્યો
- સેન્સેક્સ ૯૨૯ પોઈન્ટ અને નિફ્ટી ૨૫૬ પોઈન્ટ ઉછળ્યો
- રોકાણકારોની સંપતિમાં ૩ લાખ કરોડનો વધારો
નરમ શરૂઆતની શક્યતાઓનોભુક્કો બોલાવતા શેરબજારે સત્ર ખુલતા જ તેજીનો તરખાટ મચાવ્યો છે. બંને બેન્ચમાર્કે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. સેન્સેક્સમાં 929 પોઇન્ટ અને નિફ્ટીમાં 256 પોઇંટનો મોટો ઉછાળો નોંધાયો છે. સેન્સેકસ 70,500ની સપાટી વટાવી ગયો છે, જ્યારે નિફ્ટી 21,200ની નજીક પહોંચ્યો છે.
બજારમાં આજની તેજીના કારણે કલાકોની અંદર રોકાણકારોની સંપત્તિમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આગામી બે વર્ષમાં સેન્સેક્સ એક લાખની સપાટી તરફ આગળ વધી રહ્યું છે તેવું એક્સપર્ટ માને છે. યુએસ ફેડરલ રિઝર્વે તેની નાણાકીય નીતિ ચુસ્ત બનાવવાની સાઈકલ હવે પૂરી થાય છે તેવા સંકેત આપ્યા પછી બજારમાં આ ઉછાળો આવ્યો છે. આજે તમામ સેક્ટરમાં શેરો વધ્યા છે.
ગિફ્ટ નિફ્ટીમાં પીછેહઠ રહી હોવાથી સ્થાનિક બજારમાં પ્રારંભમાં નરમ વલણ રહેવાના સંકેત હતા, જોકે નિફ્ટી નવી ઊંચાઈ તરફ આગળ વધશે એવી સંભાવના પણ નિષ્ણાતો દર્શાવી હતી. ગિફ્ટ નિફ્ટીમાં ગુરુવારે સવારે નકારાત્મક સંકેત મળી રહ્યા હતા, જે સૂચવતા હતા કે નિફ્ટી ૫૦ની શરૂઆત નરમ રહેશે.
જોકે અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજ વૃદ્ધિનો દોર અટકવવાનો તેમજ દરમાં ઘટાડો કરવાનો સંકેત આપવા સાથે ડોવિસ સ્ટાન્સ દર્શાવ્યું હોવાથી એશિયાના શેરબજારોમાં સુધારો જોવા મળ્યો હતો. ફેડરલ રિઝર્વના વલણની જાહેરાત સાથે કરન્સી માર્કેટમાં ડોલર ગબડ્યો હતો, જ્યારે યુએસ બોન્ડની યીલ્ડમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, જે શેરબજારને વેગ આપી શકે છે. આ ઉપરાંત નિફ્ટી પાછલા સત્રમાં તેની તાત્કાલિક ટેકાની સપાટીથી પાછો ફર્યો છે, ડૉજી પેટર્ન જોતા નિષ્ણાતો કહે છે કે નિફ્ટી ફરી નવી ઊંચી સપાટી હાંસલ કરી શકે છે.