ક્રિપ્ટોમાં તેજીનુ વાવાઝોડુ : બિટકોઈન 11 ટકા ઉછળી ઐતિહાસિક ટોચે
ટૂંક સમયમાં 1 લાખ ડોલર થવાનો અંદાજ : સાત દિવસમાં ૨૫ ટકા વધી ગયા
અમેરિકામાં ટ્રમ્પના ભવ્ય વિજય પછી ક્રીપ્ટો કરન્સીમાં તેજીના ઘોડાપુર આવ્યા છે અને ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ક્રીપ્ટો કરન્સી બીટ કોઈનનો ભાવ ૯૦ હજાર ડોલર પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં એક લાખને વટાવે તેવી સંભાવના છે.
પાંચમી નવેમ્બરથી અત્યાર સુધીમાં એટલે કે સાત દિવસની અંદર બિટકોઈનનો ભાવ 25 ટકા વધી ગયો છે.
બિટકોઈન ઉપરાંત ઈથેરિયમ, ડોજકોઈન સહિત ટોચની ક્રિપ્ટો કરન્સી આકર્ષક ઉછાળા સાથે આગેકૂચ કરી રહી છે. મંગળવારે બિટકોઈન વધુ 10 ટકા ઉછળી 89859.65ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. જે ઝડપથી 1 લાખ ડોલરની સપાટી ક્રોસ કરશે તેવો આશાવાદ ક્રિપ્ટો નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
બિટકોઈનનું વોલ્યૂમ 73.63 ટકા વધી 134.24 અબજ ડોલર નોંધાયુ છે. ટ્રમ્પની ડિજિટલ કરન્સી પ્રત્યે ઉદાર નીતિઓની અપેક્ષાએ વૈશ્વિક સ્તરે ક્રિપ્ટો માર્કેટમાં 307.6 અબજ ડોલરના વોલ્યૂમ જોવા મળ્યા છે. આ સાથે ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટ કેપ 9.24 ટકા વધી 2.98 લાખ કરોડ ડોલર નોંધાઈ છે.
ટ્રમ્પ ક્રિપ્ટો કરન્સીના સૌથી મોટા ટેકેદાર છે અને ક્રિપ્ટોના સ્ટોક્સ તથા ક્રિપ્ટો કરન્સી બંનેની ડિમાન્ડ ઘણી વધી ગઈ છે. જ્યારે ઈલેક્શનના રિઝલ્ટ આવવાની શરૂઆત થઈ ત્યારે જ બિટકોઈનનો ભાવ ઓલ ટાઈમ હાઈ થઈ ગયો હતો. એટલે જ્યારે ટ્રમ્પની જીત નક્કી થઈ ગઈ ત્યારે બિટકોઈનમાં ઉછાળો આવશે તે નક્કી જ હતું.
ટ્રમ્પે પોતાના કેમ્પેઈન દરમિયાન ડિજિટલ એસેટ્સની બહુ મોટી મોટી વાતો કરી હતી અને કહ્યું હતું કે તેઓ અમેરિકાને આખી દુનિયાનું ક્રિપ્ટો કેપિટલ બનાવી દેશે. તેઓ બિટકોઈનને મોટા પાયે એકઠા કરવાની પણ વાત કરતા હતા. ટ્રમ્પ કઈ રીતે અમેરિકાના ક્રિપ્ટોનું કેપિટલ બનાવશે તે તો નક્કી નથી, પરંતુ ક્રિપ્ટોમાં સટ્ટાકીય ખરીદીમાં જોરદાર વેગ આવ્યો છે જેના કારણે તેની વેલ્યૂ સતત વધતી જાય છે.
ઈલોન મસ્કનો ફેવરિટ ક્રિપ્ટો કોઈન ડોજકોઈન સતત નવી ઊંચાઈએ આંબી રહ્યો છે. મંગળવારે વધુ 44.90 ટકા ઉછળી 0.4023 ડોલર (અંદાજે રૂ. 33.82) થયો છે. ઈલોન મસ્ક અવારનવાર ડોજકોઈનને પ્રોત્સાહન આપતા ટ્વિટ કરતાં રહે છે.