શેરબજારનાં ઇતિહાસમાં પ્રથમ વાર સેન્સેક્સ આટલા હાજરને પાર ગયો
- નિફ્ટીએ પણ ૨૧ હજારની સપાટી વટાવીને કમાલ કરી
- રોકાણકારો ખુશખુશાલ, સંપતિમાં જોરદાર વધારો
ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ઐતિહાસિક છે. આજે પહેલી વાર સેન્સેક્સે ૭૦ હજારની સપાટી વટાવી દીધી હતી. નિફ્ટી શેરોમાં પણ જોરદાર તેજી જોવા મળી છે અને તેની સપાટી ૨૧૦૨૬ને સ્પર્શી ગઈ હતી. શેરબજારની આ સ્થિતિથી રોકાણકારો ખુશખુશાલ છે અને તેમની સંપતિમાં પણ જોરદાર વધારો થયો છે.
શેર બજારમાં ગયા અઠવાડિયે જે તેજીનો તબક્કો શરૂ થયો હતો તે આ અઠવાડિયે પણ ચાલી રહ્યો છે. બજારમાં બંને ઇન્ડેક્સ સતત રેકોર્ડ બનાવી રહ્યા છે. અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે આજે સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ના 30-શેર ઇન્ડેક્સ સેન્સેક્સે ઇતિહાસ રચ્યો છે અને સેન્સેક્સ ખુલતામાં જ ૭૦,૦૫૭ની સપાટીએ પહોચી ગયો હતો.
સેન્સેક્સની જેમ NSE નો નિફ્ટી પણ સતત નવા ઉચ્ચ સ્તરે પહોંચી રહ્યો છે. નિફ્ટીએ 10.70 પોઈન્ટના ઉછાળા સાથે 20,980.10 ના સ્તરે ટ્રેડિંગની શરૂઆત કરી હતી અને પછી વધુ ઉછાળો શરૂ કર્યો હતો અને 21,019.80 ની ઊંચી સપાટીએ પહોચી ગયો હતો.
અમેરિકન બજારમાં પણ તેજી છે અને હવે ઓલ ટાઈમ હાઈ સપાટીથી માત્ર બેથી ત્રણ ટકા દૂર છે. US ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો અટકાવી દીધો છે અને ઈકોનોમી અંગે સાવધાનીનું વલણ ધરાવે છે. યુએસ ફેડ રેટ હાલમાં 5થી 5.25 ટકાની આસપાસ છે. ફુગાવાનો દર 3.2 ટકાની નજીક છે. વ્યાજનો દર ફરીથી 2007ના સ્તરની નજીક છે.
એક્સપર્ટ માને છે કે તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો પરથી લાગે છે કે ભાજપ માટે કોઈ મોટી ચેલેન્જ નથી અને લોકસભાની ચૂંટણીમાં તે 350 બેઠકનો આંકડો પાર કરી શકે છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં સ્થિરતા હોવાના કારણે હાલની પોલિસીઓ ચાલુ રહેશે જે બજાર માટે બહુ ઉપયોગી રહેવાની શક્યતા છે.