શનિવારે રાજકોટના વૉર્ડ નં.6 અને 15માં પાણીકાપ: હજારો લોકો રહેશે તરસ્યા
રાજકોટમાં પખવાડિયામાં એકાદ વખત પાણીકાપ ઝીકવામાં ન આવે તો જ હવે નવાઈ પામવા જેવું રહે છે ! પીવાનું પાણી પૂરું પાડતાં જળાશયોમાં પૂરતો જળજથ્થો ઉપલબ્ધ છે આમ છતાં રિપેરિંગના નામે લોકોને તરસ્યા રાખવાનું મહાપાલિકા ક્યારેય બંધ કરી શકતી નથી. આવો જ વધુ એક પાણી કાપ આવતીકાલે રાજકોટમાં ઝીકાયો છે. કાલે શહેરના વૉર્ડ નં.૬ અને ૧૫માં પાણી વિતરણ કરવામાં નહીં આવનાર હોવાનું મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આજી ફિલ્ટર પ્લાન્ટથી દૂધસાગર હેડ વર્કસમાં પાણી સપ્લાય કરતી જૂની પાઈપલાઈનનું નવી પાઈપલાઈન સાથે જોડાણ કરવાનું હોવાથી પાણી વિતરણ બંધ રહેશે જેના કારણે હજારો લોકોને તરસ્યા રહેવું પડશે.
જે વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થાય તેમાં સદ્ગુરુ રણછોડનગર પાર્ટ-૧, નવજીવન પાર્ક, જમાઈપરા, શક્તિ સોસાયટી (પાર્ટ), કબીરવન-૧ (પાર્ટ), શિવમ પાર્ક, મેહુલનગર, સદ્ગુરુ રણછોડનગર પાર્ટ-૨, ગઢિયા નગર, ભોજલરામ સોસાયટી, કનકનગર, એવન્યુ પાર્ક, સિદ્ધાર્થ પાર્ક, સંજયનગર, રાજારામ સોસાયટી, ન્યુ શક્તિ સોસાયટી, મહેશનગર, શ્યામનગર, ગોકુલનગર, ગોકુલનગર આવાસ યોજના, બાલકૃષ્ણ સોસાયટી ઉપરાંત મનહર મફતીયાપરા સંપૂર્ણ (શેરી નં.૧થી ૭), લાખાજીરાજ શ્રમજીવી સંપૂર્ણ (શેરી નં.૧થી ૬), ફારૂકી, ભગવતી સોસાયટી, જગદીશનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.