બેટિંગ એપ્લિકેશન અને નકલી લોન જાહેરાતો સામે સરકારની સખત કાર્યવાહી
નકલી લોન એપ્લિકેશન અને સટ્ટાબાજીવાળી એપ્લિકેશનો પર સરકારે મોટો નિર્ણય લીધો છે અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. મંગળવારે કેન્દ્રના ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ગેરકાયદેસરની લોન એપ્લિકેશનો અને સટ્ટાબાજીવાળી એપ્લિકેશનોને રિમૂવ કરવાનો આદેશ જારી કરી દીધો હતો.
કેન્દ્રીય આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે એમ કહ્યું હતું કે, અમે બનાવટી લોન એપ્લિકેશનોની જાહેરાતોને પણ રોકવા માટે કામ કરી રહ્યા છીએ. અનેક પ્લેટફોમ પર આ પ્રકારના બનાવટી લોન એપ્લિકેશનોની જાહેરાતો આવે છે. એટલુ જ નહિ પરંતુ રિઝર્વ બેન્કને પણ એવો અનુરોધ કરવામાં આવ્યો છે કે, બેન્કો માટે કેવાયસી પ્રક્રિયાને વધુ વ્યાપક બનાવવામાં આવે.
પાછલા કેટલાક સમયથી દેશમાં બોગસ લોન એપ્લિકેશનોની જાળ ફેલાઈ ગઈ છે. આવી એપનો શિકાર બનેલા સેંકડો લોકો કરજના બોજમાં દબાઈ ગયા છે અને કેટલાક કેસમાં તો પીડિતોએ આત્મહત્યા પણ કરી લીધી છે. ઘણા સમયથી આ મામલો ચર્ચામાં હતો. અત્યાર સુધીમાં સરકારે આ પ્રકારની અનેક એપ્લિકેશનોને બંધ કરાવી દીધી હતી પરંતુ કોઈ બીજા જ રૂપમાં નવા નામ સાથે તે પાછી આવી જાય છે.
આવી એપ્લિકેશનો દ્વારા ડોક્યુમેન્ટ વગર લોન આપવાની ઓફર કરવામાં આવે છે. અનેક લોકો આ પ્રકારની લોનની જાળમાં ફસાઈ ગયા છે.