ગુજરાતમાં કેટલા હજાર કરોડના રોકાણ આવશે ? જુઓ
- કઈ કંપનીએ કરાર કર્યા ?
- કુલ કેટલાનું રોકાણ થશે ?
ગુજરાતમાં આગામી દિવસોમાં દેશની અને વિદેશની ટોચ લેવલની કંપનીઓ હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યું છે અને ગુજરાતના અર્થતંત્રને વધુ શક્તિ મળવાની છે. ટોરેન્ટ પાવરે રિન્યુએબલ એનર્જી અને પાવર ડિસ્ટ્રીબ્યુશનના ક્ષેત્રમાં રૂા.૪૭ હજાર કરોડનું રોકાણ કરવા માટે ગુજરાત સરકાર સાથે ચાર સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા હોવાનું બહાર આવ્યું છે.
એ જ રીતે બીજી એક જુની પર ગ્રીન એનર્જી નામની કંપની ગુજરાતમાં એક ગીગાવોટની પવન તથા સૌર પરિયોજનાઓ વિકસીત કરવા માટે રૂા.૮ હજાર કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે. આ કંપનીએ પણ ગુજરાત સરકાર સાથે સમજૂતિ કરી છે.
ટોરેન્ટ પાવર તરફથી બુધવારે મોડીરાત્રે એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ટોરેન્ટ ગ્રુપની કંપની ટોરેન્ટ પાવર લિમિટેડે વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક શીખર સંમેલનના ૧૦મા સંસ્કરણ હેઠળ ગુજરાત સરકાર સાથે ચાર જેટલા કરાર કર્યા છે અને એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
ગાંધીનગરમાં ટોરેન્ટ પાવર અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી વચ્ચે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સમીર મહેતાએ પોતાના નિવેદનમાં એમ કહ્યું હતું કે, ટોરેન્ટ પાવર પોતાના ભવિષ્યના રોકાણના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે રિન્યુએબલ એનર્જી અને સૌર ઉર્જા યોજનાઓ તેમજ પાવર ડિસ્ટ્રીબ્યુશન માટે અગળ વધી રહ્યું છે.
એ જ રીતે જૂની પર ગ્રીન એનર્જી કંપની તરફથી પણ એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રૂા.૮ હજાર કરોડના રોકાણ માટે ગાંધીનગરમાં ૩જી જાન્યુઆરીના રોજ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કંપનીના સીઈઓ નરેશ મનસુખાણીએ કહ્યું હતું કે, અમે મહત્વપૂર્ણ ક્ષેત્રમાં ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરીને ખુબજ ઉત્સાહિત છીએ.