રાજકોટના ડિજિટલ અરેસ્ટકાંડમાં નાની “માછલીઓ” પકડાવાનું શરૂ : વૃદ્ધે લાખો રૂપિયા ભૂલવા પડશે!
રાજકોટના એરપોર્ટ રોડ ઉપર પત્રકાર સોસાયટી નજીક આવેલા એજાનનગરમાં રહેતા કુરબાનભાઈ વલીજી બદામી નામના 76 વર્ષીય વૃદ્ધને 20 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી 1.14 કરોડ રૂપિયા પડાવી લેવાના ચકચાર ગુનામાં દર વખતની જેમ નાની માછલીઓ પકડાવાનું શરૂ થઈ ચૂક્યું છે. પોલીસ દ્વારા ભલે આરોપીઓને પકડવામાં આવી રહ્યા હોય આમ છતાં ફરિયાદીએ લાખો રૂપિયા ભૂલવા મતલબ કે જતા કરવા પડશે કેમ કે ફરિયાદ નોંધાયાથી આજ સુધીમાં પોલીસ માત્ર 20 લાખ જ ફ્રિઝ કરાવી શકી છે. આ સિવાયની રકમ અલગ-અલગ એકાઉન્ટમાંથી માફિયાઓએ ઉપાડી સગેવગે કરી લીધી હોય માસ્ટર માઈન્ડ પકડાશે ત્યાં સુધીમાં પૈસાનો ઉપયોગ થઈ ગયો હોય તેવું પણ બની શકે છે !
સાયબર ક્રાઈમ પોલીસ મથકની ટીમે જેતપુરના સુજલ વિઠ્ઠલભાઈ લાખાણીની ધરપકૅડ કર્યા બાદ આ ગુનામાં સામેલ તળાજાના બે શખસોને ઉઠાવી લીધા હતા. તપાસમાં ખુલ્યા પ્રમાણે સુજલે 10 હજાર કમિશનની લાલચે સાયબર માફિયાઓને પોતાનું એકાઉન્ટ ભાડે આપ્યું હતું. સુજલના એકાઉન્ટમાં 4.90 લાખ જેવી રકમ જમા થઈ હતી. આ ઉપરાંત વધુ બે આરોપી ધ્રુવ પરસોત્તમભાઈ અગ્રાવત (રહે.તળાજા) કે જે કલરકામ કરે છે તેણે 15 હજાર કમિશનથી પોતાનું એકાઉન્ટ ભાડે આપ્યું હતું. આ જ રીતે તળાજાના રણજીત કાળુભાઈ વાઘેલાને પણ પોલીસે પકડી પાડયો હતો. રણજીતને પણ 15 હજાર કમિશન મળ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
આ પણ વાંચો :વાજડીગઢ-વેજાગામની ત્રણ ટીપી સ્કીમ સરકારમાં રવાના : હવે ખોખડદડનો ‘વારો’, ટાઉન પ્લાનિંગ સ્કિમના ડ્રાફ્ટની તૈયારી
બીજી બાજુ 1.14 કરોડ જેવી માતબર રકમ અલગ-અલગ એકાઉન્ટમાં જમા કરાવીને ઉપાડી લેવામાં આવી હોવાનું ખુલ્યું છે ત્યારે આ માટે ગુજરાત ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના અનેક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને માસ્ટર માઈન્ડ સુધી પહોંચવામાં ભવ વીતી જાય તેમ હોવાને કારણે વૃદ્ધે મહત્તમ રકમ ગુમાવવી જ પડશે તે નિશ્ચિત હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
