રાજકોટના યુવકને 2.30 લાખ આપવા ભારે પડ્યા! પૈસા આપી લગ્ન કર્યા પણ દસમા દિવસે યુવતી ફરાર, વાંચો શું છે સમગ્ર મામલો
રાજકોટના લગ્નઈચ્છુક યુવકે જીવન સાથીની શોધમાં અમદાવાદ મેરેજ બ્યુરોના સંચાલકનો સંપર્ક સોશિયલ મીડિયા મારફતે કર્યો હતો. પસંદગીનું પાત્ર સાથે લગ્ન કરવા તેના પરિવારને રોકડ 2.30 લાખ તેમજ કેટલાક ઘરેણા પણ આપ્યા હતા. લગ્નના 10 દિવસ બાદ પિયરમાં રોકાવા માટે ગયેલી પરણિતા નવ મહિના પછી પણ પરત ન ફરતાં યુવકે અમદાવાદના મેરેજ બ્યુરોના સંચાલક, યુવતી અને તેના સગા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગતો મુજબ, રૈયાધાર બંસીધર પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતા વિપુલ ગોપાલભાઈ લાઠીયાએ ( ઉંમર 37) નામના યુવકે યુનિવર્સિટી પોલીસ મથકમાં અમદાવાદના રાજુ ઠક્કર, હસમુખ મહેતા ( મેરેજ બ્યુરો સંચાલક), ચાંદની રમેશભાઈ રાઠોડ ( પત્ની) , સુશીલાબેન ( સાસુ), રમેશ રાઠોડ (સસરા) સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, વર્ષ 2023 ના ડિસેમ્બર મહિનામાં ફેસબુક ઉપર આવેલી એક જાહેરાત જોઈને તેણે અમદાવાદ જય માડી મેરેજ બ્યુરોના સંચાલક હસમુખ મહેતાના સંપર્કમાં આવ્યો હતો. હસમુખે વિપુલને અમદાવાદ મળવા માટે બોલાવેલ અને અહીં તેણે મેરેજ બ્યુરોના રજિસ્ટ્રેશન માટે 1100 ચૂકવ્યા સામે હસમુખે 100 ટકા લગ્ન કરાવવી આપવાની ગેરંટી આપી હતી.
ફેબ્રુઆરી 2024 માં હસમુખે વિપુલને ફોન કરીને તેના લાયક પાત્ર હોય જેથી મળવા અમદાવાદ બોલાવેલ અહીં યુવતી પસંદ ન આવતા વિપુલે ના પાડી હતી. જો કે તત્કાલિક હજુ એક યુવતી છે તેમ કહીને તેના પરિચિત રાજુ ઠક્કરને ફોન કર્યો હતો. જે બાદ ચાંદની રાઠોડ નામની યુવતી તેના માતા સુશીલાબેન અને પિતા રમેશભાઈ સાથે જયમાડી મેરેજ બ્યુરો આવેલ અહીં વિપુલને ચાંદની પસંદ આવતા લગ્નની વાત થઈ હતી. એજ દિવસે વિપુલના પરિવારે શકુનના 1100 અને નાળિયેર આપેલા. પંદર દિવસ બાદ ચાંદની અને વિપુલના કોર્ટે મેરેજ થયા હતા અને નક્કી કર્યા મુજબ ચાંદનીના પરિવારને 2.30 લાખ ચૂકવ્યા હતા. રાજકોટ આવ્યા બાદ સોના ચાંદીના દાગીના લઈ આપ્યા જો કે 10 દિવસ બાદ ચાંદની પિયરમાં રોકવા માટે કહીને ગઈ હતી.
નવ મહિના સુધી પરત આવી ન હતી અને આખરે હવે રાજુ ઠક્કરે હવે ચાંદની નહીં આવે તમારે જે કરવું હોય તે કરી લ્યો તેવી વિપુલને ફોનમાં કહેતા યુનિવર્સિટી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.
