SMCનો સૌરાષ્ટ્રમાં દરોડોઃ વેરાવળમાં 44.23 લાખનો વિદેશી દારૂ પકડાયો,લાંબા સમય બાદ નજર દોડાવતા સ્થાનિક પોલીસ તંત્રમાં હલચલ
રાજ્યભરમાં દારૂ, જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિત્તઓ પર દરોડા પાડતા કે નજર રાખતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાંબા સમય બાદ સૌરાષ્ટ્રમાં નજર દોડાવી વેરાવળમાં 44.23 લાખના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતા ગીર-સોમનાથ ઉપરાંત સૌરાષ્ટ્રભરના પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ છે. ત્રણ શખસોની ધરપકડ કરી 13 સામે એસએમસીએ ગુનો નોંધાવ્યો છે.
વેરાવળમાં ખુલ્લલા પ્લોટમાં હુડકો સોસાયટી નજીક વિદેશીદારૂ ભરેલું ટેન્કર હોવાનું અને કટિંગ (અન્ય નાના વાહનોમાં દારૂ હેરફેર) થવાની માહિતી આધારે એસએમસીની ટીમે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી ટેન્કર, બે પિકઅપ વાન તથા અન્ય એક વાહન મળી ચાર વાહનો હાથ લાગ્યા હતા. 44,23,220 રૂપિયાનો 19,375 બોટલ દારૂ મળી આવ્યો હતો. રેઈડ દરમિયાન વેરાવળ જાગનાથ પાર્ટી પ્લોટ પાસે ગંગાનગરમાં રહેતા રેનીશ કાસમભાઈ કોટડિયા, પાર્થ ગિરીશભાઈ રૂઘાણી (રહે.સ્વા. મંદિર પાસે વેરાવળ) તથા કોમ્યુનિટી હોલ પાસે રહેતા ધર્મેશ નરશીભાઈ ખાપંડી નામના શખસને પકડી પાડ્યા હતા. જ્યારે પોલીસ પહોંચતા જ એમએચ-06-એ.ક્યુ.6131ના ટેન્કરનો ચાલક અન્ય વાહનોના ચાલકો નાસી છૂટ્યા હતા. પોલીસે ચારેય વાહનોના ચાલકો તથા માલિકો સામે ગુનો નોંધાવ્યો છે.
આ ઉપરાંત તપાસમાં જૂનાગઢના રવિ હમીરભાઈ ભારાઈ, ભાગીદાર બહાદુર દિલુભાઈ બાબરિયા તથા જયેશ ઉર્ફે જય મુળાસિયા સહિતના સામે વેરાવળ પોલીસ મથકમાં પીઆઈ પી.પી. બ્રહ્મભટ્ટ દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. અંતરાલ બાદ એસએમસીને સૌરાષ્ટ્રમાં માહિતી મળતા અને રેઈડ કરતાં સ્થાનિક શહેર, જિલ્લા પોલીસમાં ચહલપહલ થવા લાગી હશે.
