રાજકોટની સોની બજારમાં વધુ એક ચીટિંગ : જયપુરનો કારીગર 42 લાખનું સોનું લઈ રફુચક્કર
રાજકોટની સોની બજાર કે જ્યાં દરરોજ અબજો રૂપિયાના સોનાની હેરફેર થાય છે ત્યાં અલગ-અલગ રાજ્યના કારીગરો દ્વારા વારંવાર છેતરપિંડી આચરવામાં આવી હોય તે રીતે ચાર જ દિવસથી અંદર છેતરપિંડીની ત્રીજી ફરિયાદ નોંધાતા પોલીસમાં પણ દોડધામ થઈ જવા પામી હતી. જયપુરનો એક કારીગર સોની બજારના ચાર વેપારીઓ પાસેથી 42 લાખનું સોનું લઈ રફુચક્કર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરાઈ હતી.
આ અંગે દેવેન્દ્ર અશોકભાઈ રાધનપુરા (ઉ.વ.48)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ દિવાનપરા શેરી નં.1માં રહે છે અને સોની બજાર સવજીભાઈની શેરીમાં આવેલા સુવર્ણ મંદિર કોમ્પલેક્સમાં ભક્તિ ગોલ્ડ નામની દુકાન ધરાવે છે. તેઓ ઓમદત મોતીલાલ જાંગડક્ષ કે જે પેલેસ રોડ પર રાજમંદિર કોલ્ડ્રીંક્સ પાસે આવેલા આકાર પેલેસ નામના એપાર્ટમેન્ટના ચોથા માળે રહે છે તેને છેલ્લા સાત વર્ષથી રોકડેથી 24 કેરેટ સોનુ વેચતા હતા.
ગત મહિને દેવેન્દ્રએ ઓમદતને 46 ગ્રામ 24 કેરેટ પ્યોર સોનું આપ્યું હતું. તેણે કહ્યું હતું કે આ સોનાના પૈસા તે બેન્કથી આપશે અને ત્યારપછી વધુ 45 ગ્રામ સોનુ લઈ ગયો હતો. એકંદરે ત્રણ કટકે ઓમદતને 131 ગ્રામ સોનુ આપ્યું હતું પરંતુ તેણે પૈસા આપ્યા ન્હોતા. આ પછી તેને ફોન કરતા ફોન પણ બંધ આવ્યો હતો જેથી તપાસ કરતા એવો ખુલાસો થયો હતો કે ઓમદતે સોની બજારમાં સોનાનો વેપાર કરતા અજય નરોત્તમભાઈ માંડલિયા, સંજય નગીનભાઈ પાટડિયા અને ઋત્વીક રમેશભાઈ ભુવા પાસેથી પણ આ પ્રકારે સોનુ લીધા બાદ પૈસા આપ્યા નથી. એકંદરે ઓમદતે ચારેય વેપારી પાસેથી 42.64 લાખની કિંમતનું કુલ 342.53 ગ્રામ સોનુ ઓળવી જતા તેના વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
