બે પુત્રીની હત્યા બાદ માતાના આપઘાતમાં પુત્રની મહેચ્છા જ કારણભૂત કે બીજું કાંઈ? કારણ જાણવા રાજકોટ પોલીસ ઉંધામાથે
રાજકોટની ભાગોળે નવાગામમાં ન્યુ શક્તિ સોસાયટી શેરી નં.6માં રહેતી અસ્મિતાબેન જયેશભાઈ સોલંકી (ઉ.વ.28)એ તેની ફુલ જેવી માસૂમ પુત્રી પ્રિયાંશી (ઉ.વ.7) અને હર્ષિતા (ઉ.વ.5)ને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાના ચોંકાવનારા બનાવમાં હજુ સુધી સત્તાવાર કારણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ પાડોશીઓ તેમજ મૃતકના પતિ સાથેની વાતચીતમાં અસ્મિતાને પુત્રની મહેચ્છા હતી જો કે તે પૂર્ણ ન થતાં આવું પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે પોલીસ પણ સાચું કારણ શું છે તે જાણવા ઉંધે માથે થઈ ગઈ છે.
વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે બી-ડિવિઝન પોલીસ મથક દ્વારા અસ્મિતા સોલંકીના પતિ જયેશ સોલંકીનું નિવેદન નોંધ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે અસ્મિતાએ બે-ત્રણ વખત તેને ગભરામણ થઈ રહ્યાની વાત કરી હતી પરંતુ તેણે આ દિશામાં બહુ ધ્યાન આપ્યું ન્હોતું. પુત્રની પ્રાપ્તિ ન થઈ રહ્યાનો વસવસો પણ પતિ સાથેની વાતચીતમાં અસ્મિતાએ પણ વ્યક્ત કર્યો હતો પરંતુ આ વસ્તુ કોઈના હાથમાં ન હોવાનો જવાબ પણ પતિએ આપ્યો હતો.
બીજી બાજુ બનાવ બન્યો ત્યારે જયેશ ઘેર હાજર ન્હોતો જ્યારે જયેશના પિતા પણ કામ અર્થે બહાર હોય બન્નેની ગેરહાજરીમાં જ અસ્મિતાએ આ પગલું ભરી લીધું હતું. સસરાએ પણ પૂછપરછમાં જણાવ્યું કે તેને પુત્રવધૂ સાથે કોઈ વખત માથાકૂટ થઈ ન્હોતી અને તે પરિવારનો પૂરતો ખ્યાલ રાખતી હતી. એકંદરે ઘરમાં જયેશ, અસ્મિતા, બન્ને પુત્રી અને સસરા એમ પાંચ લોકો જ રહેતા હોય તમામ કિલ્લોલ સાથે રહેતા હોવા છતાં આ પગલું શા માટે ભર્યું તેનું સાચું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
