રાજકોટના મવડીમાં 108 કરોડની જમીન પર ખડકાયેલા દબાણ હટાવાયા : TP શાખા દ્વારા 18 ઝૂપડા, 6 મકાનનો કડૂસલો
રાજકોટ મહાપાલિકાને `દાણો ન દબાવે ત્યાં સુધી ન દોડવું’નું વાક્ય બરાબરનું લાગુ પડતું હોય તે પ્રકારે ગેરકાયદે ગતિવિધિ નજર સામે થઈ રહી હોવા છતાં જ્યાં સુધી કોઈ તેનું ધ્યાન ન દોરે ત્યાં સુધી તે આ ગતિવિધિ બંધ કરાવવાનું નામ લઈ રહી નથી. ખાસ કરીને તંત્રના કરોડો રૂપિયાની કિંમતના પ્લોટ ઉપર વર્ષોથી ખડકાયેલા ઝૂપડા, કાચા-પાકા મકાન સહિતના દબાણ તોડવામાં તંત્રની `આળસ’ની તોલે કોઈ જ ન આવે તે પણ વાસ્તવિક્તા છે. આવું જ કંઈક મોટામવા-મવડીમાં જોવા મળ્યું છે જ્યાં 108 કરોડની જમીન પર 18 ઝૂપડા, છ મકાન સહિતના દબાણ ખડકાઈ ગયા હતા પરંતુ તેને તોડવામાં આવી રહ્યા ન્હોતા પરંતુ 20 તારીખે જનરલ બોર્ડ મળે તે પહેલાં કોંગે્રસ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતાં જ ટાઉન પ્લાનિંગ શાખા દોડતી થઈ ગઈ હતી અને તમામ દબાણનો કડૂસલો બોલાવી દીધો હતો.

ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મવડીમાં આકાશદીપ સોસાયટી પાસે આવેલા તંત્રના 25.13 કરોડ રૂપિયાની કિંમતના પ્લોટ પર ચાર ઝુપડા ઉપરાંત અન્ય પ્લોટ ઉપર ખડકાયેલું લાકડાનું સ્ટ્રક્ચર, બે કાચા-પાકા મકાન, ચાર મકાન, મવડી ગામતળની બાજુમાં સવન સર્કલ પાસેના પ્લોટમાંથી ચાર ઝુપડા, કસ્તુરી કાસા એપાર્ટમેન્ટ સામેના પ્લોટમાં ચાર ઝુપડા તોડી પાડી 108.37 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવી હતી.
આ ઉપરાંત મવડી ગામતળની બાજુમાં મોટામવા સ્મશાન પાસે આવેલા વોંકળામાં છ ઝુપડા તોડી પાડી 450 ચોરસમીટર જમીન દબાણમુક્ત કરાવવામાં આવી હતી.
