મફત અનાજનો લાભ લેતા લાખોપતિ ગરીબો કોણ? 75% તપાસ પૂર્ણ,જાણો રાજકોટમાં ક્યા તાલુકામાં કેટલા ધનવાન-ગરીબ
રાજકોટ સહિત રાજ્યભરમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મફતમાં આપવામાં આવતા ઘઉં-ચોખા ગરીબોની બદલે ધનવાન, લાખોપતિ ગરીબો પણ મેળવી રહ્યા હોવાનું કેન્દ્ર સરકારના ધ્યાને આવતા રાજ્યના પુરવઠા વિભાગ મારફતે આવા ધનવાન ગરીબોને શોધી-શોધી મફત અનાજનો લાભ બંધ કરવા આદેશ આપવામાં આવતા રાજકોટ જિલ્લામાં 1,02,468 શંકાસ્પદ લોકોની તપાસની કામગીરી હાલમાં 75 ટકા પૂર્ણ થઇ હોવાનું અને અંદાજે 5 હજાર જેટલા લોકોને હાલમાં આવા ખોટા લાભ બંધ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા કિશાન સન્માન નિધિ, ઇન્કમટેક્સ રિપોર્ટ તેમજ જીએસટી રિટર્નને આધારે ક્રોસ તપાસમાં ગુજરાતમાં અંદાજે 55 લાખ જેટલા ધનવાન ગરીબ લોકો એનએફએસએ એટલે કે, નેશનલ ફૂડ સિક્યોરિટી યોજનાનો લાભ લઈ દર મહિને ગરીબ બનીને મફતનું અનાજ મેળવતા હોવાનું સામે આવ્યું હતું. રાજ્યના પુરવઠા વિભાગે કેન્દ્રના આદેશ મુજબ દરેક જિલ્લાને આવા શંકાસ્પદ રેશનકાર્ડ ધારકોની યાદી સાથે વેરિફિકેશન કરવા આદેશ કર્યો હતો જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 1,02,468 શંકાસ્પદ રેશનકાર્ડ ધારકોની તપાસ કરવા જિલ્લા પુરવઠા વિભાગે પુરવઠા નાયબ મામલતદારને સૂચના આપી હતી. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 74.60 ટકા ચકાસણી કરવામાં આવી છે અને હજુ પણ 25.40 ટકા કામગીરી બાકી હોવાનું સામે આવ્યું છે.
વધુમાં રાજકોટ જિલ્લામાં પુરવઠા વિભાગની તપાસમાં પીએમ કિશાન સહાય યોજનાના લાભ લેતા પરિવારોની પણ તપાસ ચાલુ છે. જેમાં 2 એકર જમીન ધરાવતા જિલ્લાના 74,101 રેશનકાર્ડ ધારકોની પણ તપાસ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 56.24 ટકા ક્રોસ વેરિફિકેશન કરવા આવ્યું હોવાના આંકડા સામે આવ્યા છે. નોંધનીય છે કે, જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલા ધનપતિ ગરીબોના રેશનકાર્ડમાંથી એનએસએફએના લાભ બંધ કરવામાં આવ્યા છે તેનો સત્તાવાર આંકડો બહાર નથી આવ્યો છતાં પણ અત્યાર સુધીમાં પાંચેક હજાર જેટલા ખોટો લાભ લેતા લખપતિ ગરીબોને મફતના ઘઉં ચોખા બંધ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
