હવે કરો એક કલાક સુધી ‘ટાઈમપાસ’! પાંચ વર્ષમાં માત્ર ત્રીજીવાર રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષનો પ્રશ્ન પ્રથમ ક્રમે!
રાજકોટ મહાપાલિકામાં 2020થી ભાજપના 68 (હાલ 66) અને કોંગે્રસના 4 કોર્પોરેટર ચૂંટાઈને આવતા દર વખતે જનરલ બોર્ડની કાર્યવાહી કંટાળાજનક અથવા તો એમ કહો કે માત્રને માત્ર ટાઈમપાસ સમાન બની રહેતી હતી. દર બે મહિને મળતી સામાન્ય સભામાં કોર્પોરેટરો દ્વારા મહાપાલિકાના અધિકારીઓ પાસેથી શહેરીજનોને લગતા-સ્પર્શતા પ્રશ્નો થકી `હિસાબ’ લેવાનો હોય છે પરંતુ દર વખતે `ગોઠવણ’ પ્રમાણે પ્રશ્ન પૂછાતા હોય એક કલાક વેડફાઈ જતી હતી. આમ તો પ્રશ્નોત્તરીમાં કયો પ્રશ્ન પ્રથમ ક્રમે આવશે તેનો નિર્ણય ડ્રો મારફતે થતો હોય દર વખતે ભાજપના કોર્પોરેટરનો જ પ્રશ્ન પહેલાં નંબરે આવતો હતો ત્યારે પાંચ વર્ષમાં ત્રીજી વખત એવું બન્યું છે કે પ્રથમ ક્રમે કોંગે્રસનો પ્રશ્ન પ્રથમ નંબરે આવ્યો હોવાથી બોર્ડ તોફાની બની રહેશે તેવી શક્યતા નકારી શકાતી નથી.
20 નવેમ્બરે મહાપાલિકાની સામાન્ય સભા મળશે જેમાં પ્રથમ ક્રમે વોર્ડ નં.15ના કોંગે્રસના કોર્પોરેટર વશરામ સાગઠિયાનો પ્રશ્ન આવ્યો છે. સાગઠિયાએ રાજકોટમાં ફ્લાવર બેડ કે જે વિવાદ ઘણા લાંબા સમયથી ચાલ્યો આવે છે તેના કારણે બિલ્ડિંગ યૂઝ પરમીશન (બીયુપી) અટકેલી હોય તેવા બિલ્ડિંગ પ્રોજેક્ટ કેટલા તે સહિતની વિગત માંગી છે. આ ઉપરાંત પેટાપ્રશ્નમાં તેમણે રાજકોટની હદ ક્યાં સુધી છે તે તેમજ પાંચ વર્ષમાં રાજકોટના કેટલા રસ્તા કયા કારણોસર કઈ કઈ એજન્સી દ્વારા ખોદવામાં આવ્યા અને રસ્તા ખોદતી વખતે મંજૂરી લેવાનો નિયમ શું છે ? કેટલા ખોદકામ મંજૂરી લઈને તેમજ રસ્તા રિપેરિંગની ડિપોઝિટ ચૂકવીને કરવામાં આવ્યા, પાંચ વર્ષમાં ખોદકામ કરાવી લીધા તે રસ્તાથી તંત્રનો કેટલો ખર્ચ થયો તેની વિગત વોર્ડવાઈઝ માંગી હોવાથી એક કલાક સુધી આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે જ બોર્ડની કાર્યવાહી તોફાની બની રહેશે.
જ્યારે કોંગે્રસના અન્ય કોર્પોરેટર કોમલ ભારાઈ દ્વારા મહાપાલિકામાં કાયમી ટાઉન પ્લાનિંગ ઓફિસર ક્યારે આવશે, ગેઈમઝોન અગ્નિકાંડ બાદ ગેરકાયદેસર બાંધકામ કેટલા થયા, વરસાદને કારણે રોડ-રસ્તામાં કેટલું નુકસાન થયું તે સહિતની વિગત માંગી છે તો કોંગે્રસી કોર્પોરેટર મકબુલ દાઉદાણી દ્વારા સ્માર્ટ સિટીમાં કેટલા કામ થયા તે સહિતની માહિતી માંગી છે. જો કે આ પ્રશ્ન છેલ્લા ક્રમે હોવાથી બોર્ડમાં તેની ચર્ચા થવાની શક્યતા રહેતી નથી.
એકંદરે આ બોર્ડમાં ભાજપ-કોંગે્રસના 15 કોર્પોરેટર દ્વારા કુલ 25 પ્રશ્ન મુકવામાં આવ્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અગાઉ વિપક્ષના કોર્પોરેટરોમાં કોમલ ભારાઈ અને ભાનુબેન સોરાણીનો પ્રશ્ન જનરલ બોર્ડમાં પ્રથમ ક્રમે આવ્યા બાદ અંદાજે બે વર્ષ બાદ વશરામ સાગઠિયાનો પ્રશ્ન ડ્રો મારફતે પહેલાં નંબરે આવ્યો છે.
