મુખ્યમંત્રી ફરી આવશે રાજકોટ : નાણાવટી ચોક પાસે નવો કોમ્યુનિટી હોલ સહિત 500 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરશે
19 નવેમ્બરે રાજકોટ મહાપાલિકાનો સ્થાપના દિવસ આવી રહ્યો છે ત્યારે આ વખતે પણ શહેરીજનોને `વિકાસ’ની ભેટ આપવા માટે તંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. આ વખતે પણ મુખ્યમંત્રીના હસ્તે અનેક વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે ત્યારે આ કામની રકમ 500 કરોડ જેટલી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું. મુખ્યમંત્રી 19 નવેમ્બરે સાંજે 5ઃ30 વાગ્યે રાજકોટ આવી ગયા બાદ એક બાદ એક કાર્યક્રમમાં ભાગ લેશે.
મહાપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં કોમ્યુનિટી હોલ બનાવવાની જાહેરાત કરાયા બાદ વેસ્ટ ઝોનમાં નાણાવટી ચોક નજીક સંતોષપાર્ક મેઈન રોડ પર અતિ આધુનિક કોમ્યુનિટી હોલનું કામ બે વર્ષથી ચાલી રહ્યું હોય પૂર્ણ થઈ જતાં મુખ્યમંત્રીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ લગ્નગાળાની સીઝનમાં લોકોને વધુ એક કોમ્યુનિટી હોલ મળી શકશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે આવાસ યોજનાનો ડ્રો પણ કરવામાં આવશે સાથે સાથે રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે મહાપાલિકાની સ્થાપના થઈ ત્યારથી લઈ આજ સુધી અને આવનારા દિવસોમાં રાજકોટ કેવું હશે તેનો એક ચિતાર મહાપાલિકા દ્વારા પ્રદર્શન રૂપમાં આપવામાં આવ્યો હોય ત્યાં પ્રદર્શનમાં પણ મુખ્યમંત્રી હાજર રહેશે.
એકંદરે મુખ્યમંત્રી સાંજે 5:30 વાગ્યે રાજકોટ આવી રહ્યા હોય કોઈ જાહેરસભા થવાની શક્યતા બહુ ઓછી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું આમ છતાં છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કહેણ આવે તો સભા પણ યોજાઈ શકે છે. એ જ દિવસે રાત્રે મહાપાલિકા દ્વારા સચેત-પરંપરાની ગાયક જોડીની મ્યુઝિકલ નાઈટ પણ આયોજિત કરવામાં આવી છે પરંતુ તેમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે નહીં.
