રાજકોટમાં આજથી જામશે ક્રિકેટ ફીવર : ભારત-આફ્રિકાની ‘એ’ ટીમ વચ્ચે વન-ડે મુકાબલા, તિલક-અભિષેક સહિતના ખેલાડીઓ રહેશે આકર્ષણનું કેન્દ્ર
ભારત-આફ્રિકાની સીનિયર ટીમ વચ્ચે આવતીકાલથી એટલે કે ગુરૂવારથી પહેલી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. બે મેચની ટેસ્ટ શ્રેણી પૂર્ણ થયા બાદ બન્ને વચ્ચે ત્રણ વન-ડે અને પાંચ મેચની ટી-20 શ્રેણી રમાવાની હોય મર્યાદિત ઓવરના ફોર્મેટ માટે બન્ને ટીમમાં મજબૂત ખેલાડી પસંદ કરવા માટે ત્રણ વન-ડે મુકાબલા રમાશે. જો કે આ મેચ બિનસત્તાવાર એટલે કે તેમાં બનેલા રેકોર્ડની સત્તાવાર કોઈ નોંધ નહીં થાય પરંતુ ક્રિકેટરસિકોને જોરદાર મુકાબલો નિહાળવા મળી શકે છે. આજથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર ભારત `એ’ અને દક્ષિણ આફ્રિકા `એ’ ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણી પૈકી પ્રથમ વન-ડે મુકાબલો થશે.
આ મેચ બપોરે 1ઃ30 વાગ્યાથી શરૂ થશે જે નિહાળવા માટે દર્શકોને વિનામૂલ્યે એન્ટ્રી અપાશે. ભારતીય ટીમની વાત કરવામાં આવે તો આગામી વન-ડે અને ટી-20 શ્રેણીમાં સ્થાન મેળવવા માટે તીલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, હર્ષિત રાણા, અર્શદીપસિંહ સહિતના ખેલાડીઓએ પૂરુ જોર લગાવવું પડે તેમ હોવાથી તેઓ ત્રણેય મેચ જીતવા તેમજ ઉમદા પ્રદર્શન કરવા માટે આતૂર રહેશે.
બીજી બાજુ આફ્રિકાની ટીમમાં પણ અનેક `સરપ્રાઈઝ’ એટલે કે નામ ન સાંભળ્યું હોય તેવા ખેલાડીઓ છે પરંતુ તેમનું પ્રદર્શન દમદાર રહેવાની શક્યતા નકારી શકાતી નથી.
દિલ્હી બ્લાસ્ટને પગલે જિલ્લા પોલીસવડાએ સ્ટેડિયમનું કર્યું નિરીક્ષણ
આજથી ભારત-આફ્રિકાની `એ’ ટીમો વચ્ચે રાજકોટમાં વન-ડે મેચ રમાવાની છે બરાબર તે પહેલાં જ દિલ્હીમાં બ્લાસ્ટ થતાં આખા દેશમાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર સહિતની ટીમે નિરંજન શાહ સ્ટેડિયમની રૂબરૂ મુલાકાત લઈને એન્ટ્રી-એક્ઝિટ, દર્શકોની બેઠક વ્યવસ્થા સહિતની સમીક્ષા કરી હતી.
ટીમ ઈન્ડિયા
તીલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, રિયાન પરાગ, ઈશાન કિશન, આયુષ બદોની, નિશાંત સંધૂ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપસિંઘ, પ્રસિદ્ધ કૃષ્ણા, ખલીલ અહમદ, પ્રભસિમરનસિંઘ
ટીમ આફ્રિકા
માર્કસ એકરમેન (કેપ્ટન), રુબિન હર્મન, લુહાન ડ્રે પેટ્રોરિયસ, જોર્ડન હર્મન, સિનેથેમ્બા કેસીલ, ડિયાન ફોરેસ્ટર, મીહાલિ એમ્પોંગવાના, બિજ્રોન ફોર્ટુઈન, નકાબા પીટર, લુથો સિપમાલા, ડેલાનો પોટગેટર, ઓટનેઈલ બાર્ટમેન, ટીયાન વેન વુરેન, શેપો મોરેક્કી, રિવાલ્ડો મૂનસેમી
