રાજકોટમાં ગેંગ બનાવતાં પહેલાં સો વખત વિચાર કરવો પડે તેવી કાર્યવાહીની ગેરંટીઃ ACP ભરત બસીયા
રંગીલા રાજકોટ શહેરમાં એક સમય એવો હતો જ્યારે એક બાદ એક ગેંગ માથું ઉંચકી રહી હતી અને શહેરીજનોને રંજાડી રહી હતી. ગમે ત્યારે બંદૂક, છરી, હથિયાર, ધારીયા સહિતના ઘાતક હથિયારો સાથે આમને-સામને આવી જતી આ ગેંગને નેસ્તોનાબૂદ કર્યા બાદ વર્ષો સુધી એક પણ ગેંગે માથું ઉંચકવાની હિંમત કરી ન્હોતી. જો કે 29 ઑક્ટોબરે વહેલી સવારે 3ઃ30 વાગ્યે કુખ્યાત બની ગયેલી પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે મંગળા રોડ પર સામસામું ફાયરિંગ થતાં શહેરમાં ફરી ગેંગ તૈયાર થઈ રહ્યાનું સૌને લાગી રહ્યું હતું. જો કે આ ગેંગને ક્યારેય ન મળ્યો હોય તેવો બોધપાઠ ક્રાઈમ બ્રાન્ચ અને SOG સહિતની ટીમ દ્વારા આપવામાં આવ્યા બાદ હવે ગુજસીટોકનો ‘હથિયાર’ વાપરવામાં આવ્યું છે ત્યારે અત્યંત સંવેદનશીલ એવી આ મુદ્દાની તપાસ ગુનેગારોના ‘નાડપારખું’ અધિકારી એવા એસીપી (ક્રાઈમ) ભરત બી.બસીયાને સોંપવામાં આવી છે ત્યારે તેમણે ‘વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં છાતી ઠોકીને કહ્યું હતું કે રાજકોટમાં આ બે જ નહીં પરંતુ બીજા લોકો પણ ગેંગ બનાવતા પહેલાં એક નહીં બલ્કે સો વખત વિચાર કરશે તેવી કાર્યવાહીની ગેરંટી હું આપું છું.
એસીપી (ક્રાઈમ) બસીયાએ આગળ જણાવ્યું કે ફાયરિંગની ઘટના બનતાં જ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવાની રાહબરીમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, એલસીબી ઉપરાંત સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને એક ગેંગના લગભગ તમામ ગુંડાઓ દબોચાઈ જતાં આ લોકો ગુનો કરતા પહેલાં પોલીસના `બોધપાઠ’નો વિચાર કરે તે માટે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ અંગેની દરખાસ્ત એસીપી ભરત બી.બસીયા દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી ત્યારે નિયમ પ્રમાણે દરખાસ્ત કરનાર અધિકારીને ક્યારેય ગુજસીટોકની તપાસ સોંપવામાં આવતી નથી પરંતુ પોલીસ કમિશનરે `સ્પેશ્યલ કેસ’માં આ કેસની તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરી અને તેના વડા તરીકે ભરત બી.બસીયાની પસંદગી કરી હતી. ભરત બસીયાએ અગાઉ પણ આ પ્રકારે અલગ-અલગ ગેંગ્સ સામે ગુજસીટોક હેઠળ લાકડા જેવી કાર્યવાહી કરી હોવા ઉપરાંત ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં નાનામાં નાની અને મોટામાં મોટી વિગતને તપાસમાં આવરી લીધી હોવાની કેસ મજબૂત થવાને કારણે આરોપીઓને જામીન મળવામાં પગે પાણી ઉતરી ગયાનો મુદ્દો પણ પોલીસ કમિશનર દ્વારા ધ્યાન પર લઈ ગેંગ વિરુદ્ધ કાર્યવાહીની તમામ તપાસ એસીપી (ક્રાઈમ)ને સોંપી હતી.
એસીપી (ક્રાઈમ)એ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સામાન્ય રીતે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત તૈયાર કરવામાં ત્રણ મહિના લાગી જાય છે પરંતુ ક્રાઈમ બ્રાન્ચની જાંબાઝ ટીમનો સહયોગ મળ્યો હોવાથી માત્ર ત્રણ દિવસમાં જ દરખાસ્ત તૈયાર કરીને પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરી દેવામાં આવી હતી. કાર્યવાહીની મંજૂરી મળી ગયા બાદ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી ચાર આરોપીઓ જેમાં રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા સહિતને 10 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.
રિમાન્ડ પર લઈને એક બાદ એક આરોપીને ક્રાઈમ બ્રાન્ચના `અલાયદા’ ઈન્ટ્રોગેશન રૂમમાં બેસાડવામાં આવ્યા હતા જ્યાં પૂછપરછ દરમિયાન થયેલું અંધારું અને પોલીસના એક બાદ એક અણિયાળા સવાલ સાંભળીને ખૂંખાર બનેલી ગેંગના ચારેયને રીતસરનો પરસેવો વળી જવા પામ્યો હતો. પોલીસ દ્વારા પેંડા ગેંગના 17 સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે ત્યારે 15 પકડાઈ ગયા હોવાથી ચારને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે જ્યારે બાકીના 11ને આવતીકાલે અલગ-અલગ જેલમાંથી કબજો લેવા સહિતની કાર્યવાહી પૂર્ણ કરીને રિમાન્ડ પર લેવામાં આવશે. એકંદરે પેંડા ગેંગે જાહેરમાં ફાયરિંગ કરી કોફિનમાં છેલ્લી ખીલી ઠોકી દીધી હોય તે પ્રકારે હવે ગેંગ ફરી માથું ઉંચકશે તે વાત ભૂલી જ જવાની રહેશે સાથે સાથે આ તમામ સામે અત્યારે તો `ટ્રેલર’રૂપી કાર્યવાહી જ શરૂ થઈ છે અને પીક્ચરરૂપી કાર્યવાહીનો દોર પણ હવે આવવાનો છે તેવું ભારપૂર્વક એસીપીએ જણાવ્યું હતું.
તપાસ ઉપર પોલીસ કમિશનર-ડીસીપી ક્રાઈમનું મોનિટરિંગ

પેંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ કેસનું સજ્જડ ચાર્જશીટ તૈયાર કરવા માટે પોલીસ દ્વારા ગેંગ દ્વારા આચરવામાં આવેલા 71 ગુનાના તપાસનીશ અધિકારી, સાહેબ સહિતના નિવેદન પણ જોડવામાં આવશે સાથે સાથે અન્ય દરેક મુદ્દા ચાર્જશીટમાં આવરી લેવાના હોવાથી એસીપી ભરત બી.બસીયા અને તેમની ટીમ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે આ મુદ્દાની તપાસ ઉપર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાનું પણ સઘન મોનિટરિંગ રહેશે.
ક્રાઈમ બ્રાન્ચ-SOGએ બન્ને ગેંગની કમર તોડવામાં રાત-દિવસ એક કર્યા
ફાયરિંગનો બનાવ બનતાં જ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બી.બસીયા સહિતના અધિકારીઓ એક્શનમાં આવી ગયા હતા અને ક્રાઈમ બ્રાન્ચ તેમજ SOGને `એક્ટિવ મોડ’માં મુકી દઈ આરોપીઓ પાતાળમાં પણ છૂપાઈ ગયા હોય તો તેમને ત્યાંથી શોધી લાવવા આદેશ છૂટતાં જ ક્રાઈમ બ્રાન્ચ-SOGની `પાણીદાર’ ટીમ કામે લાગી ગઈ હતી અને એક બાદ એક આરોપીઓને પકડી પાડ્યા હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, SOG પીઆઈ એસ.એમ.જાડેજા ઉપરાંત પીએસઆઈ એ.એન.પરમાર, વી.ડી.ડોડિયા, એ.એસ.ગરચર ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ-SOGના જવાનોએ રાત-દિવસ એક કરી આરોપીને વીણી વીણીને શોધી કાઢ્યા હતા.
મરઘા ગેંગ પણ બચશે નહીં, ગાળિયો તૈયાર થઈ રહ્યો છે
એવી વિગત જાણવા મળી હતી કે પોલીસ દ્વારા પેંડા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો મજબૂત ગાળિયો તૈયાર કરી લીધા બાદ હવે મરઘા ગેંગનો `વારો’ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ આ ગેંગના પણ આરોપીઓ સામે આકરામાં આકરી કાર્યવાહી થશે તે વાત નિશ્ચિત છે.
