રાજકોટમાં 10 કરોડના વ્યાજની ઉઘરાણીમાં હત્યાનો પ્રયાસ કરનાર ટોળકી પકડાઇ: ગુમ થયેલા વિશાલનો અતોપતો નહીં
રાજકોટના ઈન્દીરા સર્કલ તેમજ જામનગરમાં કાર્યરત વર્લ્ડ ઈનબોક્સ એકેડમીના સંચાલક વિશાલ વિનુભાઈ વીરડા નામના યુવકે બે શખસો પાસેથી એક કરોડ રૂપિયા વ્યાજે લીધા બાદ 55 લાખ પરત આપી દીધા છતા વધુ વ્યાજ અને પૈસાની ઉઘરાણી કરી કુલ 10 કરોડની ‘ઉઘરાણી’ શરૂ થઈ જતાં વિશાલે ઘર છોડી દીધું હતું. જો કે વ્યાજખોરો દ્વારા વિશાલના બદલામાં તેના ભાઈ દિલીપને ‘ટાર્ગેટ’ કરી તેના પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા મેટોડા પોલીસે હુમલાખોર ટોળકીને દબોચી લઈ એક દિવસના રિમાન્ડ ઉપર લીધી હતી.
આ અંગે વિશાલ અને દિલીપના પિતા વિનુભાઈ મેપાભાઈ વીરડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના પુત્ર વિશાલે વિજય નારણભાઈ મકવાણા અને તેના ભાઈ ભાવેશ મકવાણા પાસેથી એક કરોડ રૂપિયા વ્યાજે લીધા હોવાની એક ચીઠ્ઠી મળી હતી. બન્ને દ્વારા 40% વ્યાજ લગાવી વ્યાજ સહિતની મુળ રકમ 10 કરોડ માંગી રહ્યા હોય કંટાળી જઈ વિશાલે ઘર છોડી દીધું હતું. જ્યારે વિશાલનો ભાઈ દિલીપ વિનુભાઈ વીરડા કે જે કાલાવડ તાલુકામાં આવેલી મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવે છે તે કાલાવડથી રાજકોટ પોતાના ઘેર આવી રહ્યો હતો ત્યારે વિજય મકવાણા સહિત ચાર લોકોએ તેની કારને આંતરી લઈ વિશાલ ક્યાં છે ? વિજયભાઈના પૈસા આપતો નથી, જવાબ દેતો નથી, વિજયભાઈએ કીધું છે કે આજ તો તને પતાવી જ દેવો છે કહી ધોકા સાથે તૂટી પડતાં દિલીપને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ અંગેનો ગુનો દાખલ થતાં જ મેટોડા પોલીસે વિજય નારણભાઈ મકવાણા તેમજ અન્ય ચાર મળી પાંચ લોકોની ધરપકડકરી હતી. તપાસમાં ખુલ્યા પ્રમાણે વિજય સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં હથિયારધારા ભંગના બે સહિત કુલ આઠ ગુના નોંધાયેલા છે. હાલ તમામ આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે વિજય મકવાણાને દિલીપ ઉફર્ષ પીન્ટો ભીખુભાઈ રાઠોડ વિશાલનું લાઈવ લોકેશન આપી રહ્યો હોવાનું પણ સામે આવ્યું હતું.
ગુમ થયેલા વિશાલનો હજુ સુધી અતોપતો નહીં
એક કરોડનું 10 કરોડ વ્યાજ ચડી જતાં વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી ઘર છોડી દેનારા વિશાલ વિરડાની હજુ સુધી કોઈ ભાળ ન મળી હોવાનું તેના પિતા વિનુભાઈ વિરડાએ ‘વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
