અમૂલ દૂધમાં કીટનાશક…દુધની ગુણવત્તા ઉપર સવાલ ઉઠાવનાર રાજકોટના ડોક્ટર સામે ફરિયાદ,જાણો શું છે મામલો
અમુલ બ્રાંડના દૂધમાં ભેળસેળ હોય છે અને તેમાં કીટનાશક નાખવામાં આવે છે તેવું કહીને સોશિયલ મીડિયા માં વિડીયો વાઈરલ કરનાર રાજકોટના એક ડોક્ટર સામે અમુલ ડેરીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, એશિયાની સૌથી મોટી ડેરી, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની અમૂલ ડેરીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી રાજકોટના એક ડોક્ટર દ્વારા સોશિયલ મીડિયામાં ભ્રમિત અને ખોટા આક્ષેપો કરાતા આ મામલે અમૂલ કંપનીના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર ભાટ ખાતે ક્વોલિટી એસ્યોરન્સના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આકાશ પૂરોહિતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ચાર દિવસ પહેલા તેમના મોબાઈલમાં ડો. હિતેશ જાની દ્વારા તેમની યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો એક વીડિયો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર પણ વાઈરલ થઈ રહ્યો હતો. ‘તમારા ઘરે કેવું દૂધ આવે છે, તમે જાણો છો?’ શીર્ષક સાથેના આ વીડિયોમાં ડો. હિતેશ જાનીએ સીધી રીતે અમૂલ દૂધ બ્રાન્ડને નિશાન બનાવીને ખોટી અને ભ્રમિત વાતો કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ પણ વાંચો : ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : બોર્ડની પરીક્ષાનાં ફોર્મ આ તારીખ સુધી ઓનલાઈન ભરી શકાશે
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોમાં ડો. હિતેશ જાનીએ અમૂલ દૂધ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના આક્ષેપો મુજબ, દૂધમાં 22 પ્રકારના કેમિકલ ઉમેરાય છે. ડીડીટી જેવા પ્રતિબંધિત કીટનાશક પણ દૂધમાં નાખવામાં આવે છે. વેચાણ પહેલા સોડિયમ બેન્ઝોએટ અને અન્ય ઇમ્લિસફાયર નિયમિતપણે દૂધમાં ભેળવવામાં આવે છે. વેચાતું દૂધ સાત દિવસ જૂનું હોય છે. 500 મિલીના પાઉચમાં માત્ર 480-490 મિલી જ દૂધ ભરાય છે, જે ગ્રાહકો સાથે છેતરપિંડી અને નફાખોરી છે. ISI-FSSAI સ્ટેમ્પ ધરાવતા ઉત્પાદનો પણ અસુરક્ષિત છે. આ સિસ્ટમ વિદેશી (અમેરિકન) ડિઝાઇન છે અને બહારથી નિયંત્રિત થાય છે. ડોક્ટરે લોકોને ષડયંત્ર બહાર લાવવા માટે વીડિયો વાઈરલ કરવા પણ અપીલ કરી હોવાનું જણાવાયું છે.
