રાજકોટના હિરાસર એરપોર્ટમાં સામાન ચોરીમાં એરલાઈન્સના સ્ટાફની પણ સંડોવણી ખૂલી : વધુ પાંચ લોકોની પૂછપરછ
રાજકોટના હિરાસર એરપોર્ટ ઉપર બે પેસેન્જરની બેગમાંથી રોકડ તેમજ ઘરેણાની ચોરીનો ચોંકાવનારો બનાવ નોંધાતાં જ ઝોન-1 એલસીબી ટીમે ચોરી કરનાર આરોપીને પકડી લેવામાં આવ્યો હતો. જો કે જ્યારથી આરોપી પકડાયો છે ત્યારથી લઈ આજ સુધી કહેવામાં આવી રહ્યું હતું કે આ ચોરીને અંજામ આપવામાં એક નહીં બલ્કે વધુ લોકોનો હાથ હોવો જોઈએ. આ વાત સત્ય ઠરી હોય તે પ્રમાણે આ બનાવમાં એરલાઈન્સના સ્ટાફની પણ સંડોવણી ખૂલી હોવાની ચર્ચાએ એરપોર્ટ સંકુલમાં જોર પકડી લીધું હતું. બીજી બાજુ પોલીસ દ્વારા પણ તપાસનો દોર લંબાવી સ્ટાફની સઘન પૂછપરછ કરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું હતું.
ઝોન-1 એલસીબી ટીમ દ્વારા ચોટીલાના નાની મોલડી ગામના જયરાજ કથુભાઈ ખાચર (ઉ.વ.28)ને મુસાફરોની બેગમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયાની ચોરી કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યા પ્રમાણે જયરાજ એરપોર્ટ બન્યું ત્યારથી સીસીટીવી ટેક્નીશ્યન તરીકે નોકરી કરતો હોવાથી તે ક્યાં કેમેરા છે, ક્યાં નથી, કેમેરા કેવી રીતે ચાલુ-બંધ કરવા સહિતની ટેક્નીકથી વાકેફ હોય બિન્દાસ્ત બનીને ચોરી કરતો હતો.
જો કે કઈ બેગમાં શું પડ્યું છે તેની જાણ જયરાજને ન હોવાથી આ માટે પણ તેણે `છેડો’ શોધી લીધો હતો અને આ માટે તેણે એરલાઈન્સના સ્ટાફને સાધીને ચોરી કરવા માટે તૈયાર કર્યા હોવાની ચર્ચા એરપોર્ટમાં શરૂ થઈ હતી. બીજી બાજુ પોલીસ તેમજ સીઆઈએસએફ દ્વારા આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી સઘન તપાસ કરવામાં આવતા સીસીટીવી ફૂટેજ સહિતની ચકાસણી કરવામાં આવી હતી સાથે સાથે જયરાજની પણ આગવી ઢબે પૂછપરછ કરાતા તેણે વટાણા વેરી દીધા હોવાનું સામે આવ્યું હતું.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે જયરાજે જ એરલાઈન્સના સ્ટાફના નામ આપી દીધા હતા સાથે સાથે જણાવ્યું કે તે સ્ટાફની મદદથી જ ચોરી કરતો હતો. જે બે લોકોના નામ સામે આવ્યા છે તે બન્ને દ્વારા કઈ બેગમાં શું સામાન પડ્યો છે તેની જાણકારી જયરાજને વૉટસએપ મારફતે આપવામાં આવતી હતી. ખાસ કરીને બન્ને દ્વારા જે બેગમાં કિંમતી સામાન પડ્યો હોય તેનો ફોટો પાડીને જયરાજને મોકલી દેવાતો હતો અને જેવો ફોટો મળે એટલે જયરાજ પાંચથી પંદર મિનિટમાં ચોરી કરી બેગ પાછી બંધ કરી જેમની તેમ સ્થિતિમાં મુકી દેતો હતો. ખાસ વાત એ છે કે પોતાની બેગમાંથી સામાન ચોરાયો છે તેની જાણ છેક મુસાફરને અન્ય રાજ્યના એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ બેગ હાથમાં આવે ત્યારે ખબર પડતી હોય ત્યાં સુધીમાં વિલંબ થઈ જતો હોવાને કારણે ફરિયાદ કરવાનું પણ ટાળતા હતા.
બીજી બાજુ એરપોર્ટ પોલીસનો સંપર્ક સાધવામાં આવતા ત્યાંથી એવી વિગત જાણવા મળી હતી કે પોલીસ દ્વારા પાંચથી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી જયરાજ સિવાય કો, ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નથી પરંતુ ટૂંક સમયમાં અન્ય લોકો પણ આરોપી બની શકે છે.
રોજ આઠથી દસ બેગ તૂટતી હતીઃ સ્થાનિક તંત્રએ ધ્યાન ન આપતાં વાત કેન્દ્ર સરકાર સુધી પહોંચી
એરપોર્ટ સૂત્રો પાસેથી એવી વિગત પણ જાણવા મળી હતી કે એરપોર્ટમાં દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય ઘણાખરા મુસાફરો પ્રસંગો સહિતમાં હાજરી આપવા માટે ઘરેણા બેગમાં જ મુકતા હોય આવી બેગને ટાર્ગેટ કરીને રોજની આઠથી દસ બેગ તૂટતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ અંગે ફરિયાદ પણ કરવામાં આવતી હોવાની વાત જાણવા મળી હતી પરંતુ સ્થાનિક ઓથોરિટી દ્વારા કોઈ નોંધ ન લેવાતા આખરે અમુક મુસાફરે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન સુધી ફરિયાદ કરતા આખરે રાજકોટ એરપોર્ટના સ્ટાફે પણ તપાસમાં ઝંપલાવ્યું હતું.
