PDM ફાટક પાસે રાજકોટનો સૌથી લાંબો `ઝેડ’ આકારનો અન્ડરબ્રિજ બનશે : 50 મિલકત કપાશે, યાદી તૈયાર
રાજકોટમાં દિવસેને દિવસે વકરતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી રસ્તા પહોળા કરવા શક્ય ન જણાતા તંત્ર દ્વારા સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવીને અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. આવી જ એક માથાના દુઃખાવા સમાન ટ્રાફિક સમસ્યા ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ નજીક સર્જાઈ રહી છે. અહીં રેલવે ફાટક હોવાથી ત્યાં બ્રિજ બનાવવાની જરૂરિયાત જણાતા મહાપાલિકા દ્વારા બે વર્ષ પહેલાં અહીં બ્રિજ બનશે તેવું જાહેર કરી દેવાયું હતું પરંતુ ત્યારબાદ ફાઈલ અભેરાઈએ ચડી જતાં કામ શરૂ થઈ જ શક્યું ન્હોતું. દરમિયાન 63 દિવસ પહેલાં ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા સરકાર પાસેથી બ્રિજના કામ માટે ગ્રાન્ટ મંજૂર કરાતા હવે ફરી કામગીરી હાથ પર લેવામાં આવી છે અને અહીં રાજકોટનો સૌથી લાંબો અન્ડરબ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ અંગે સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેર અતુલ રાવલે જણાવ્યું કે ગોંડલ રોડ-ઢેબર રોડને જોડતો `ઝેડ’ આકારનો આ અન્ડરબ્રિજ 700 મીટર મતલબ કે પોણો કિલોમીટરનો રહેશે. 40.83 કરોડની ગ્રાન્ટ મંજૂર થયા બાદ મહાપાલિકા દ્વારા બ્રિજ માટે સર્વે કરવા ક્નસલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી જેના દ્વારા કપાતમાં જતી મિલકત, ફિઝિબિલિટી રિપોર્ટ સહિતની વિગતો આપ્યા બાદ રેલવે વિભાગ સાથે બ્રિજ અંગે બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં બ્રિજ અંગે સહમતિ સધાઈ જતા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (જીયુડીએમ) પાસે મંજૂરી માંગવામાં આવતા ત્યાંથી સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા હવે કપાત કરવા સહિતની કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો : કામગીરી કે ‘નાકામગીરી’ ? રાજકોટ પોલીસે 11:50એ બંધ કરાવેલી હોટેલ 12ઃ20એ ધમધમી! ‘વોઈસ ઓફ ડે’ના રિયાલિટી ચેકમાં સામે આવી હકીકત
ટાઉન પ્લાનિંગ શાખાના જણાવ્યા પ્રમાણે અન્ડરબ્રિજ માટે બન્ને રોડ તરફથી કુલ 50 મિલકતોમાં નાની-મોટી કપાત થશે. આ કપાત ઢેબર કોલોનીથી લઈ ગોપાલનગર શેરી નં.1 સુધીના રસ્તા પર આવશે. એકંદરે બ્રિજ માટે મંજૂરી મળી જતા હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જો કે કામ શરૂ આડે હજુ એક વર્ષ લાગી જવાની શક્યતા પણ સૂત્રોએ વ્યક્ત કરી હતી.
