નેટવર્ક નબડું પડ્યું કે ગુનાખોરીની પ્રવૃતિ ઘટી? સ્ટેટ મોનિટરિંગ સેલનો સૌરાષ્ટ્રમાં છેલ્લા 6 માસથી શુન્યાવકાશ! દરોડા સાવ ઘટયા
રાજ્યભરમાં ગમે ત્યાં અસામાજિક બદીઓ પર દરોડા | પાડવા માટેની સત્તા ધરાવતા અને ડાયરેક્ટર ડીજીપીના અન્ડરમાં આવતા SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) છેલ્લા છએક માસથી સૌરાષ્ટ્રમાં શુન્યાવકાશ જેવો બન્યો હોય તેમ સૌરાષ્ટ્રમાં SMCનો દરોડાનો દોર ગ્રાફ સાવ ઘટ્યો છે. સૌરાષ્ટ્ર તરફ નેટવર્ક નબળું પડયું છે કે પછી સૌરાષ્ટ્રમાં અચાનક જ હવે ગેરકાયદે ગુનાખોરી પ્રવૃત્તિ સાવ ઘટી ગઈ છે જેથી SMCને અહીંથી કામ મળવાનું બંધ થઈ ગયું? એક તબક્કે મોરબી પંથકના ડીવાયએસપી કે.ટી. કામરિયા અને સૌરાષ્ટ્ર તરફના પીઆઈ, પીએસઆઈ કે સૌરાષ્ટ્રની નાડ પારખતા અધિકારીઓ હતા ત્યારે દરોડાઓ વધુ પડતા હતા તો શું હવે આવા અધિકારીઓના અભાવને લઈને સૌરાષ્ટ્રમાં SMCના દરોડા ઘટ્યા હશે ? આવી જાણકારોમાં વાતો ઉભરી છે.
SMCનો એક તબક્કો સૌરાષ્ટ્રમાં તાપ હતો, જે તે શહેર, જિલ્લાની પોલીસ અજાણ હોય અથવા તો આંખ આડા કાન કર્યા હોય, (મંજૂરી હોય) તો આવા બેનંબરના ધંધા કે કામો પર SMCની ટીમો ત્રાટકતી હતી. દરોડાઓ ચાલુ જ રહેતા હતા, જેને લઈને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા અસામાજિક તત્વોમાં તો ફફડાટ રહેતો સાથે સ્થાનિક પોલીસના અધિકારીઓ અને વહીવટદાર જેવા કર્મચારીઓની જિલ્લા બહાર બદલી તોળાતી અને સસ્પેન્શનનો પણ ડર રહેતો હતો. SMCના શુધ્ધ છબી ધરાવતા ડીઆઈજી નિર્લિપ્ત રાયને લઈને પણ SMCની છાપ આગવી અને ટીમો સતત દોડતી રહે છે.
SMCના પણ સૌરાષ્ટ્રમાં દરોડા સાવ બંધ જેવા જ થઈ ગયા છે. કે.ટી. કામરિયા ગત મે માસના અંતે નિવૃત્ત થયા બાદ SMCમાં ડીવાયએસપી તરીકે કોઈ નવા અધિકારી આવ્યા નથી, સાથોસાથ અચાનક આવું થઈ જવા પાછળનું કારણ શું હોઈ શકે ? શું સૌરાષ્ટ્રમાં તમામ શહેર, જિલ્લાઓમાં ગેરકાયદે વધાઓ જ બંધ થઈ ગયા છે કે પછી હવે સૌરાષ્ટ્ર પંથકના અધિકારીઓ ન હોવાથી સૌરાષ્ટ્રમાં બાતમીદારો અને બાતમી તૂટ્યા હશે ? સૌરાષ્ટ્રના અલગ અલગ શહેર-જિલ્લામાંથી કોન્સ્ટેબલથી લઈ એએસઆઈ સુધીનો સ્ટાફ SMCમાં છે પરંતુ એથી ઉપરના અધિકારીઓનો અભાવ હોવાથી નાના કર્મીઓનું ગજ નહીં વાગતું હોય કે શું ? આવી જાણકારોમાં ચર્ચા ચાલી રહી છે.
