130 કરોડ ભારતીયોનું સ્વપન સાકાર કરતી મહિલા ક્રિકેટ ટીમ : PM મોદીએ પાઠવ્યા અભિનંદન,સમગ્ર દેશે મનાવી બીજી દિવાળી
ભારતની દીકરીઓએ એ સિદ્ધિ મેળવી છે જેની રાહ 130 કરોડ ભારતીયો લાંબા સમયથી જોઈ રહ્યા હતા. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં આખરે ભારતે મહિલા વર્લ્ડ કપ જીતી લીધો હતો. નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને પર રને હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતે 298 રન બનાવ્યા જવાબમાં દક્ષિણ આફ્રિકા ભારતીય બોલિંગ અને ફાઇનલના દબાણમાં ફસાઈ ગયું હતું અને 246 રન જ બનાવી શક્યુ હતું. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વૂલફેટે સદી ફટકારી પરંતુ તે આઉટ થતાં જ આખી મેચ બદલાઈ ગઈ હતી.
આ મેચમાં પણ ભારતીય ટીમ ટોસ હારી ગઈ હતી પરંતુ તે ભાગ્યશાળી સાબિત થયુ હતું. પહેલા બેટિંગ કરતા ભારતે ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાના કારણે મજબૂત શરૂઆત કરી હતી.બંને બેટરોએ પ્રથમ વિકેટ માટે 104 રન ઉમેર્યા હતા. સ્મૃતિ મંધાના 45 રન બનાવીને આઉટ થઈ ગઈ હોવા છતાં શેફાલી વર્મા ક્રીઝ પર રહી અને 87 રન બનાવીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. શેફાલી ઉપરાંત દીપ્તિ શર્માએ મધ્યમ ક્રમમાં શાનદાર બેટિંગ કરી 100 ના સ્ટ્રાઈક રેટથી 58 રન બનાવ્યા હતા. વિકેટકીપર રિચા ઘોષે પણ 24 બોલમાં 34 રનની ઇનિંગ રમી જેનાથી ટીમ ઇન્ડિયા 298 રન સુધી પહોંચી શકી હતી.
PM નરેન્દ્ર મોદીએ મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા
દિપ્તી શર્મા-પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ
બેટ્સમેન પછી બોલરોનો વારો આવ્યો અને બધા બોલરોએ બોલિંગ કરી હતી. ખાસ કરીને દીપ્તિ શર્મા, શેફાલી વર્મા અને શ્રી ચર્નીએ પોતાના સ્પિનથી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને ફસાવી દીધા હતા. દીપ્તિ શર્માએ 9.3 ઓવરમાં 39 રન આપીને 5 વિકેટ લીધી તો શ્રી ચર્નીએ 48 રન આપીને 1 વિકેટ લીધી અને શેફાલી વર્માએ 36 રન આપીને 2 વિકેટ લીધી હતી.
સદી ચૂકી પણ શેફાલીએ રચી દીધો ઈતિહાસ
ફાઈનલમાં આફ્રિકા વિરુદ્ધ શેફાલી વર્માએ 78 બોલમાં 87 રનની ઈનિંગ રમી હતી. શેફાલી વન-ડે વર્લ્ડકપના ફાઈનલમાં ફિફટી બનાવનારી સૌથી યુવા ખેલાડી બની હતી. તેણે માત્ર 21 વર્ષ 278 દિવસની ઉંમરે આકમાલ કરી હતી. તેણે ઑસ્ટ્રેલિયાની જેસ ડફિનનો રેકોર્ડ તોડયો હતો જેણે 23 વર્ષ 235 દિવસની ઉંમરે આ કમાલ કરી હતી. શેફાલી વર્લ્ડકપ ફાઈનલમાં સૌથી મોટી ઈનિંગ રમનારી ભારતીય ઓપનર બની હતી. તેણે પૂનમ રાઉતનો રેકોર્ડ તોડયો હતો. શેફાલીનો વર્લ્ડકપ ફાઈનલમાં ભારત વતી શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ પણ રહ્યો હતો. તેણે 111.53ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
સ્મૃતિ મંધાના એક જ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારી ભારતીય
ફાઈનલમાં સ્મૃતિ મંધાનાએ 45 રન બનાવતાની સાથે જ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. સ્મૃતિ હવે એક જ વર્લ્ડકપમાં ભારત વતી સૌથી વધુ રન બનાવનારી બેટર બની હતી. તેણે પૂર્વ કેપ્ટન મિતાલી રાજને પાછળ છોડી હતી જેણે 2017 વર્લ્ડકપમાં 409 રન બનાવ્યા હતા. મંધાનાએ આ ટૂર્નામેન્ટમાં 434 રન બનાવ્યા છે. તેણે 2025 વર્લ્ડકપમાં કુલ 9 છગ્ગા અને 50 ચોગ્ગા ફટકાર્યા છે. તેની સરેરાશ 54.25ની રહી હતી. તેના બેટમાંથી એક સદી અને ત્રણ ફિફટી બની હતી.
વિમેન્સ વર્લ્ડકપમાં બીજી વાર સદીની ઓપનિંગ ભાગીદારી
મહિલા વિશ્વ કપના ઈતિહાસમાં માત્ર બીજી વખત એવું બન્યું કે જયારે ઓપનિંગ જોડી વચ્ચે સદીની ભાગીદારી થઈ હોય. આ પહેલાં 2022ના વર્લ્ડકપ ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાની એલિસા હિલી અને રાચેલ હેન્સે 160 રન બનાવ્યા હતા. હવે બીજી વખત ભારત વતી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પહેલી વિકેટ માટે 104 રનની ભાગીદારી નોંધાવી હતી.
