રાજકોટ એઇમ્સની કેન્ટીનમાં શ્વાને ચાટેલી ડીશમાં પીરસાઈ રહ્યું છે ભોજન! કેન્ટીન સંચાલકની ઘોર બેદરકારી આવી સામે
રાજ્યની એક માત્ર રાજકોટ એઇમ્સમાં દર્દીઓને શ્રેષ્ઠતમ સારવાર માટે વહીવટી ટીમથી લઈ તબીબોની ટીમ કામ કરી રહી છે ત્યારે અહીં ઓપીડી બીલ્ડીગની બાજુમાં આવેલ કેન્ટીનમાં એઇમ્સમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓને બિન આરોગ્યપ્રદ રીતે ખોરાક પીરસાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. ખાનગી કોન્ટ્રાકટર સંચાલિત આ કેન્ટીનમાં લોકોએ ભોજન-નાસ્તો કરેલી પ્લેટને શ્વાનો માટે અનામત રાખી દેવામાં આવતી હોય અહીં હાઈજેનીક સ્થિતિ જળવાતી ન હોવાનું શ્વાનો વાસણો ચાંટતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

રાજકોટની ભાગોળે પરાપીળીયા નજીક આવેલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં હાલમાં દૈનિક 1200થી 1300 દર્દીઓ આઉટડોર પેશન્ટ તરીકે આરોગ્ય સેવાનો લાભમેળવી રહ્યા છે. સાથે જ અહીં 250 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં પણ મોટાભાગના બેડ ફૂલ રહેતા હોય અહીં દૈનિક દર્દીઓ સહિત 2500થી વધુ લોકોની અવર-જ્વર રહે છે. સ્વાભાવિક રીતે જ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી સારવાર માટે આવતા દર્દીઓને આ અંતરિયાળ જગ્યામાં ચા,પાણી, નાસ્તો અને ભોજન માટે હેરાનગતિ ન થાય તે માટે એઇમ્સ દ્વારા ઓપીડી બિલ્ડિંગની બાજુમાં જ ન્યાતા નામની એજન્સીને કેન્ટીન ચલાવવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જો કે, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ઉક્તિને સાર્થક કરતી આ કેન્ટીનમાં હાઇજિનિક વાતાવરણને બદલે લોકો માંદા પડે તેવી સ્થિતિમાં ખોરાક પીરસાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

તાજેતરમાં એઇમ્સ રાજકોટની આ કેન્ટીનની લાલીયાવાડી સ્થિતિને ઉજાગર કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કેન્ટીનમાં લોકોએ જમીને કે નાસ્તો કરીને મુકેલી પ્લેટ અહીં વસવાટ કરતા શ્વાન ચાટી રહયા હોવાનું દેખાઈ રહ્યું છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે, એઇમ્સની ઓપીડીની બાજુમાં જ આવેલ આ કેન્ટીનને કારણે આસપાસનું વાતાવરણ પણ ગંદુ બની રહ્યું છે અને શ્વાનોએ ચાંટેલી પ્લેટ, ડીસ જેમ તેમ રીતે સાફ કરી ફરીને ઉપયોગમાં લેવાતી હોય લોકોના સ્વાસ્થ્ય સામે પ્રશ્નાર્થ ખડા થયા છે. આ સંજોગોમાં એઇમ્સ સત્તાવાળાઓ કેન્ટીનની નિયમિત ચકાસણી કરી કોન્ટ્રાકટ ધરાવતા આસામી વિરુદ્ધ બેદરકારી સબબ પગલાં ભરે તેવી જાગૃત નાગરિક અને દર્દીઓ માંગણી ઉઠાવી રહ્યા છે.
