હાશ! 2 મહિના સુધી રાજકોટનો એક પણ રસ્તો નહીં ખોદાય : DI પાઈપલાઈન-ભૂગર્ભ લાઈન માટે રસ્તો ન ખોદવા આદેશ
રાજકોટમાં ભલે પાછલા વર્ષોની જેમ એકધારો વરસાદ વરસ્યો ન હોય પરંતુ છૂટાછવાયા વરસાદને કારણે રસ્તાની હાલત બદથી બદતર થઈને વિકરાળ બની જવા પામી હતી. બીજી બાજુ લોકોને પૂરા ફોર્સથી પાણી મળી રહે તેમજ લીકેજ ન થાય તે માટે આખા શહેરમાં ડીઆઈ પાઈપલાઈન બિછાવવાનું શરૂ કરાતા આખા શહેરના રસ્તાઓ ખોદી નાખવા તેમજ ચોમાસા પહેલાં ઘણાખરા રસ્તાને બૂરવામાં ન આવતા લોકો સહન ન કરી શકે તેવી હાલાકી ભોગવી રહ્યા હતા. હવે બે કે ત્રણ મહિનામાં મહાપાલિકાની ચૂંટણી હોય તેને ધ્યાનમાં રાખી 31 ડિસેમ્બર સુધી એક પણ રસ્તો નહીં ખોદવાનો આદેશ છૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મહાપાલિકાના ઈજનેરી સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે બે મહિના સુધી નવું કોઈ પણ ખોદકામ નહીં કરવા તેમજ જૂના ખોદકામનું તાત્કાલિક બૂરાણ કરવા માટેનો આદેશ છૂટ્યો છે. જો કે હાલ વરસાદી વાતાવરણ હોવાને કારણે પેચવર્ક સહિતનું કાર્ય ઠપ્પ થઈ જતા ઉઘાડ નીકળ્યા બાદ જ ફરી કામ શરૂ કરાશે. એકંદરે બે મહિના સુધી ડીઆઈ પાઈપલાઈન તેમજ ભૂગર્ભ લાઈન માટે રસ્તા ખોદવામાં આવશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે બે કે ત્રણ મહિના બાદ મહાપાલિકાની ચૂંટણી આવી રહી છે અને આ વખતે રોડ-રસ્તાની હાલતને કારણે શાસકો ઉપર માછલા ધોવાયા છે સાથે સાથે તંત્રની હાંસી પણ ઉડાવવામાં આવી રહી હોય લોકોનો રોષ મતપેટી ઉપર ન જોવા મળે તે માટે નવું કોઈ ખોદકામ નહીં કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે અને જૂનું કામ છે તે ઝડપથી પૂર્ણ કરવા પણ તાકિદ કરવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણીને ધ્યાનમાં રાખી દરેક કોર્પોરેટરને લોકોના વિસ્તારના લોકોને સ્પર્શે તે પ્રકારના વિકાસકાર્યોની દરખાસ્ત મોકલી દેવા પણ કહેવામાં આવ્યાનું જાણવા મળ્યું હતું.
