ઘેર પૈસા મોકલવા માટે જઈ રહેલા યુવકના ગળે છરી મુકી લૂંટી લીધો! રાજકોટના ભગવતીપરા પુલ નીચે 3 શખસોનું કારસ્તાન
રાજકોટમાં હવે જાણે કે પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન રહ્યું હોય તેવી રીતે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં હત્યા, ચોરી, મારામારી સહિતના ગંભીર બનાવ બની રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના ભરબપોરે બનવા પામી હતી. ઘેર પૈસા મોકલવા માટે જઈ રહેલા યુવકને ત્રણ શખસોએ આંતરી ગળે છરી મુકીને લૂંટ ચલાવતા પોલીસે ત્રણેયને પકડી પાડ્યા હતા.
આ અંગે ઉત્તરપ્રદેશના મોંગલાપેન્સા નામના ગામમાં રહેતા અને સાડીને રંગવાનું કામ કરતા મોહિત દિનેશકુમાર ગૌતમ (ઉ.વ.19)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે પરિવારને પૈસા મોકલવાના હોય તે મિત્ર સાથે બપોરે 4ઃ30 વાગ્યા આસપાસ ભગવતીપરા પુલ નીચે પહોંચ્યો ત્યારે ત્રણ શખસો ધસી આવ્યા હતા અને જેટલા પૈસા હોય તેટલા આપી દેવા માટે કહ્યું હતું. જો કે મોહિતે પોતાની પાસે પૈસા ન હોવાનું કહેતાં ગાળાગાળી અને ઝપાઝપી શરૂ કરી દઈ છરીના છરકા માર્યા હતા અને બે શખસોએ મોહિતના ખીસ્સામાંથી 7500ની રોકડ પડાવી ફરાર થઈ ગયા હતા.
આ પ્રકારની ફરિયાદ નોંધાતા જ પોલીસે લૂંટને અંજામ આપનાર કુલદીપ ઉર્ફે રાજ મોહનભાઈ મકવાણા (ઉ.વ.19), જય ઉર્ફે જયલો વિક્રમભાઈ મકવાણા (ઉ.વ.23) અને રોહિત ધર્મેન્દ્રભાઈ દંડૈયાને પકડી પાડ્યા હતા. ત્રણેયને પૈસાની જરૂરિયાત હોવાથી લૂંટને અંજામ આપ્યાનું રટણ કર્યું હતું. પકડાયેલા ત્રણ પૈકી રોહિત દંઢયા ઉપર ત્રણ વર્ષ પહેલાં પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
