‘હે, રાજકોટમાં સાત દિવસમાં છ-છ હત્યા ?’ આવા શબ્દો કદાચ રાજકોટવાસીઓ નહીં અન્ય ગ્રામ્ય કે શહેરમાં વસતા અને રાજકોટ સાથે સંકળાયેલા લોકોના મોંમાંથી જરૂર સરી પડયા હશે. દિવાળીનું સપ્તાહ જાણે રાજકોટમાં મર્ડર વીક બની ગયું હતું. પોલીસ માટે તો જરૂર વ્યાધિરૂપ, દોડધામ દિવાળી બગડવા જેવું હતું જ અને રહ્યું. જ્યારે પ્રજાને પણ ઉપાધિ હશે કે રંગીલુ રાજકોટ રક્તભીનું બની રહ્યું છે. રસ્તે નીકળતા કોઈને ભૂલથી પણ કાંઈ કહેવાયું કે બોલાયુ ને છરી કાઢશે તો ? શહેરમાં સુરક્ષિત માહોલ બનાવવા કે પોલીસે ગુનેગારો પર ખરો ખૌફ ઉભો કરવા અને પોલીસ પ્રજા માટે છે તે સાર્થક કરવા ખરા અર્થમાં ફિલ્ડમાં ઉતરવું પડશે એટલે કે ધાક ઉભી કરવી પડશે.
સાવ નજીવા કારણોસર છ-છ હત્યાઓ
રાજકોટ શહેરમાં પ્રથમ વખત દિવાળી પર્વ એવું રહ્યું કે અગાઉ ક્યારેય પણ ન બન્યું. સાવ નજીવા કારણોસર છ-છ હત્યાઓ થઈ, દિવાળીની પૂર્વ રાત્રીએ કાળીચૌદશે બે પાડોશી પરિવાર કાર બાઈક સાથે અથડાતા સામસામે છરીઓ ઝીંકાઈ. બે સગ્ગા ભાઈ સહિત ત્રણની હત્યા થઈ. દિવાળીની સાંજે સીએલએફ ક્વાર્ટરમાં પરિચિત શખસે જ યુવકને છરી ઝીંકીને હત્યા કરી ત્યાં ફરી રાજકોટની ભાગોળે જ માનસિક અસ્વસ્થ પિતાને ઝાડ સાથે બાંધી લાકડીથી ફટકારી પુત્રી તથા સગીર પુત્રએ મોતને ઘાટ ઉતાર્યા. ત્યારબાદ ફરી ગઈકાલે ઘંટેશ્વર નજીક ચોરીની આશંકાએ યુવકનું છરીના ઘા મારીને ખૂન કરી નખાયું. સાત દિવસના અંતરાલમાં છ-છ હત્યાઓ થઈ, નથી કોઈ સરાજાહેર ઘાતકી હથિયારો કે ટોળાં ઉતર્યા કે આવી જૂથ અથડામણોમાં કોઈ હત્યાઓ થઈ. માત્રને માત્ર નજીવા કારણો અને એકલ-દોકલ વ્યક્તિ વચ્ચે તકરારમાં લોહી રેડાયા.
આવી ઘટનાઓ પોલીસ માટે વ્યાધિ બની
કદાચ પોલીસ એમ માને કે પ્રિ-પ્લાન કે કોઈ ગેંગવોરમાં નહીં આ બધી હત્યાઓ કે ઘટનાઓ આવેશ કે આવા અચાનક ઉદ્વેગ કે બોલાચાલીમાં થઈ, બધે પોલીસ કેમ પહોંચે કે આવા બનાવો તો કેમ અટકે ? હા, એક તબક્કે સ્વીકાર્ય કે આવેશ કે અચાનક આક્રોશમાં આવીને બનાવ હત્યા સુધી પહોંચ્યા પરંતુ એક વાત એ પણ સત્ય કે સાથે છરી જેવા હથિયાર હોય અથવા તો પોલીસનો કોઈ ખરો ખૌફ ડર ન હોય તો જ છરી રાખે કે હથિયાર ફટાફટ લાવીને ભોંકી દે, હત્યા કે આવા બનાવો બની જાય.
આવી ઘટનાઓ પોલીસ માટે વ્યાધિ બની કહેવાય કારણ કે, આવી રીતે છરીઓ, હથિયારો કાઢે અને હત્યાઓ થાય. રાજકોટ પોલીસ બનાવ બન્યા બાદ ફટાફટ દોડે, આરોપીઓ શોધી લાવે, ડિટેક્શન થઈ જાય એ સારી બાબત છે પરંતુ પોલીસે ગુનેગારો કે આવા તત્વો પર એક એવી છાપ પણ ઉભી કરવાની જરૂર છે કે ગુનાઓ બનતા જ અટકે. ડીસીબીનું કામ ડિટેક્શનનું છે એવી રીતે પીસીબીનું કામ ગુના બનતા પૂર્વે જ અટકી જાય તે છે. આ બન્ને બ્રાન્ચ ઉપરાંત અન્ય એજન્સી તેમજ સ્થાનિક પોલીસે પણ એટલું જ ખરા અર્થમાં પબ્લિકલી એક્ટિવ બનવું પડે તો પોલીસની ધાક ફરી પ્રસ્થાપિત થઈ શકે. અત્યારે તો સામાન્ય જનમાં એવો ઉચાટ હશે કે રાજકોટમાં તો કોઈને ભૂલથી પણ કહેવાય જાય તો છરી કાઢી લે, મારામારી પર ઉતરી આવે. જો પોલીસની ધાક વધે એવી નક્કર કામગીરી થાય તો લુખ્ખાગીરી અને ક્રાઈમ આપોઆપ કન્ટ્રોલમાં આવી જ જાય.
