આજથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : કારતકમાં જામ્યો અષાઢ જેવો માહોલ, ઊંઝા-મહેસાણામાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાએ વિદાઇ લઈ લીધી છતાં કારતક મહિનામાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તરગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. આજથી 3 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ઉંઝા-બહુચરાજી તાલુકામાં એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે તો દરિયામાં કરંટથી મોજાં ઊછળી રહ્યા છે. 3 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે અને માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે.
ઉત્તરગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઊંઝા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે ધોમધાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે રોડ પર પાણી ભરાઈ ગયાં હતાં. કમોસમી વરસાદને લઈને જગતનો તાત ચિંતામાં મુકાયો છે. પાકમાં નુકસાન થઈ શકે છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ દરિયાઈ સીમામાં તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. જાફરાબાદ બંદર પર 3 નંબર સિગ્નલ લગાવી દરિયા કાંઠાના વિસ્તાર જાફરાબાદ લાઈટ હાઉસ,ધારાબંદર,પીપાવાવ પોર્ટ,શિયાળ બેટ સહિત કાંઠાના વિસ્તરમાં એલર્ટ કરી તમામ માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના આપવામાં આવી છે તો તમામ બોર્ટને પાછી બોલવા સૂચના આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો :General Knowledge: ફ્લાઇટમાં કેવી રીતે કામ કરે છે Wi-F? કેમ મોબાઈલ ડેટા કામ નથી કરતો, ચાલો જાણીએ
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે (25 ઓક્ટોબર) વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે ઊંઝા-મહેસાણામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે ગોંડલમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું જે બાદ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
આવતીકાલે (26 ઓક્ટોબર) સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, ડાંગ, નવસારી, ભરૂચ, સુરત, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 27 ઓક્ટોબરે વલસાડ, ડાંગ, નવસારી, ભરૂચ, સુરત, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.
