રાજકોટના જેતપુર-વીરપુર પંથકની ધરા ધ્રૂજી : 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ
છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ કચ્છમાં ભૂકંપના આંચકા વધી રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર રાજકોટના જેતપુર -વીરપુર પંથકમાં ધરા ધ્રૂજી હતી. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
મળતી વિગતો અનુસાર રાજકોટના જેતપુર -વીરપુર ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બપોરે 12.37 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલથી 24 કિમી દૂર નોંધવામાં આવ્યું હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધવામાં આવી હતી.
ત્યારે દિવાળી પહેલા પણ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતભરમાં ભૂકંપના નાના મોટા આંચકાઓનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે ફરી એકવાર રજાઓના દિવસોમાં ખરા બપોરે જેતપુર અને વીરપુરની ધરા ધ્રૂજી હતી. જેના કારણે રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.
