અંધકારમાં ઓજસ્વીનીનો અજવાસ: ઝૂંપડપટ્ટીમાં દીપાવલીનો પ્રકાશ,ઓજસ્વીની ફાઉન્ડેશનની સેવાભાવી બહેનોએ કરી દિવાળીની અનોખી ઉજવણી
રાજકોટ શહેરની સેવાભાવી બહેનો એક અનોખી પહેલ સાથે ઝૂંપડપટ્ટીઓ સુધી પહોંચી હતી. જ્યાં અંધકાર અને આર્થિક તંગીને કારણે તહેવારનો આનંદ મળવો મુશ્કેલ હતો, ત્યાં બહેનોએ દીપાવલીનો ઉજાસ અને આનંદ ફેલાવ્યો છે.

દિવાળી એટલે અજવાસ, આનંદ અને વહેંચણીનો તહેવાર. પરંતુ રાજકોટની કેટલીક ઝૂંપડપટ્ટીઓમાં રહેતાં પરિવારો માટે તહેવારનું નામ પણ એક સપનું જેવું બની રહે છે. એવા પરિવારો સુધી ઉજાસ અને આનંદ પહોંચાડવા ઓજસ્વીની ફાઉન્ડેશનની સેવાભાવી બહેનો હેમલ મૌલેશ દવે,સુરભિબેન આચાર્ય, કૃતિબેન રાઠોડ, સરિતાબેન દત્તાણી, નેહાબેન પાઠક,નાયરાબેન ફળદુએ હૃદયસ્પર્શી પહેલ લઈને પહોંચી હતી.ફાઉન્ડેશનની બહેનોએ ઝૂંપડપટ્ટીમાં જઈ પરિવારોને શુદ્ધ ધી નાં દિવા,મીઠાઈ,નવાં વાસણો,વસ્ત્રો,ફટાકડા આપી દીપાવલીનો સાચો આનંદ વહેંચ્યો. બાળકો સાથે રમતાં, રંગોળી બનાવીને અને દીયા પ્રગટાવી બહેનોએ તહેવારનો ઉજાસ તેમના જીવનમાં પાથર્યો.

હેમલબેન કહે છે,આ ઉજવણી માત્ર દાનનો નહીં, પરંતુ દિલથી જોડાયેલા સંબંધોનો અહેસાસ છે.અમે.4 વર્ષથી દર દિવાળી આ રીતે ઉજવીએ છીએ. બહેનોએ જણાવ્યું કે “જ્યારે ઝૂંપડપટ્ટીના નાનાં બાળકોના ચહેરા પર સ્મિત ફૂલે છે, ત્યારે લાગે છે કે સાચી દીપાવલી તો હવે ઉજવાઈ.

ઓજસ્વીની ફાઉન્ડેશન વર્ષભર અનેક સેવાકીય પ્રોજેક્ટ ચલાવે છે જેમ કે બરતન પ્રોજેક્ટ, મિલ્ક બ્રિજ પ્રોજેક્ટ અને સરસ્વતી યજ્ઞ. આ પ્રોજેક્ટ્સ મારફતે ફાઉન્ડેશન સમાજના વિવિધ વર્ગો સુધી મદદનો હાથ લંબાવે છે પછી તે શિક્ષણની વાત હોય કે જરૂરિયાતમંદને રોજિંદી જરૂરિયાત પૂરી પાડવાની.
આ પણ વાંચો :રાજકોટ જિલ્લાના જનસેવા કેન્દ્રોના ઓપરેટરોની દિવાળી બગડી: સરકારના આદેશનો કોન્ટ્રાકટરે કર્યો ઉલાળિયો
ફાઉન્ડેશનની બહેનો પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય ફાળવી સેવાકાર્યમાં જોડાય છે. એમના માટે સેવા એ માત્ર કાર્ય નથી, પણ એક જીવંત ધર્મ છે, જ્યાં બીજાના ચહેરા પર ખુશી જોવી એ જ સૌથી મોટો તહેવાર છે તેમ ઓજસ્વીની ફાઉન્ડેશનનાં હેમલબેન દવેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :સાંથણીમાં ફાળવેલી જમીન પડતર રાખતા ખાલસા કરવા હુકમ કરતા રાજકોટ કલેકટર : બોઘરાવદારમાં પ્રાંતના હુકમને કાયમ રખાયો
ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ પણ આ પહેલથી ગદગદ થઈ કહ્યું,
આવી બહેનોના કારણે અમારું ઘર પણ આ વર્ષે પ્રકાશિત થયું છે. દિવા તો અમે રોજ જ જોયા છે, પણ આજે દિલમાં પ્રકાશ ફેલાયો છે.દિવાળી જેવા પર્વે જ્યારે આખું શહેર પ્રકાશથી ઝગમગી ઉઠ્યું, ત્યારે ઝૂંપડપટ્ટીના ખૂણે પણ એ અજવાસ પહોંચી ગયો..માનવતાનો, સહાનુભૂતિનો અને આશાનો અજવાસ.
