નાયબ મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ હર્ષ સંઘવીએ યોજી બેઠક : GSRTCના કર્મચારીઓ માટે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું થશે લાભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્પેશિયલ 26ની ટીમ તૈયાર થઈ ચૂકી છે. ગઇકાલે (17 ઓકટોબર) નવા મંત્રીમંડળના તમામ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા અને ખાતાઓની ફાળવણી પણ કરવામાં આવી હતી. ત્યારે ૩ વર્ષ બાદ ફરી બેઠી કરાયેલી ખુરશી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે ત્યારે આજે તેમણે ધનતેરસના શુભ દિવસે પદભાર સાંભળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પદભાર સંભાળતાની સાથે જ તેમના હસ્તકના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. આ પૈકી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે નિગમના 36,000 થી વધુ કર્મશીલ કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયો રાજ્યના નાગરિકોને સમયસર અને સુદ્રઢ પરિવહન વ્યવસ્થા પૂરી પાડવા રાત-દિવસ કાર્ય કરતા GSRTC કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે લેવામાં આવ્યા છે.
તમામ કર્મચારીઓને હવે ‘તહેવાર પેશગી એડવાન્સ’ની રકમ અપાશે
નિગમના તમામ કર્મચારીઓને હવે ₹10,000 ‘તહેવાર પેશગી એડવાન્સ’ તરીકે આપવામાં આવશે. અગાઉ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને ₹5,000 સુધી આ પેશગી મળતી હતી. નાયબ મુખ્યમંત્રીએ પ્રથમ બેઠકમાં જ આ પેશગીની રકમમાં બમણો વધારો કરીને તમામ કર્મચારીઓને આ લાભ આપવાનો નિર્ણય લીધો છે.
સ્વચ્છતા અને જળ બચાવો સ્પેશ્યલ ડ્રાઇવ
તારીખ 26મીથી 30મી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા અને જળ બચાવો ઝુંબેશ અંતર્ગત રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ તેમજ તમામ એસ.ટી બસ સ્ટેશનમાં ખાસ ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવાયો છે. આ ડ્રાઈવમાં લીકેજ નળની મરામતની કામગીરી ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવશે.
