હવે દેશમાં ડિજિટલ વીજળી બિલ યુગની શરૂઆત થશે: કાગળ પર બિલ આપવાની પધ્ધતિ થશે બંધ
દેશમાં હવે વીજળીના બિલ આપવાની વ્યવસ્થા સમાપ્ત થઈ જશે. ઘરે આવીને તમારું વીજ મીટર વાંચીને માણસ હાથોહાથ બિલ આપે છે તે વ્યવસ્થા હવે સમાપ્ત થવાની છે અને થોડા સમય બાદ દેશમાં ડિજિટલ વીજળી બિલ યુગ શરૂ થવાનો છે અને કેન્દ્ર સરકાર દ્વારા આ માટે પ્રારંભિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સરકારી સૂત્રોએ એવી માહિતી આપી છે કે, અત્યાર સુધી ગુજરાત સહિત દિલ્હી અને રાજસ્થાન મળીને ૧૮ જેટલા રાજ્યો આ નવી વ્યવસ્થા માટે તૈયાર થઈ ગયા છે. કેટલાક રાજ્યોમાં આંશિક રીતે આ વ્યવસ્થા શરૂ થઈ છે. તો કેટલાક રાજ્યોમાં અમુક પોકેટમાં સ્માર્ટ મીટરની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે પરંતુ કેન્દ્ર સરકાર દેશભરમાં હવે ડિજિટલ વીજળી બિલની વ્યવસ્થા કરવા માગે છે.
નવી વ્યવસ્થા એવી હશે કે લોકોને પ્રથમ ઓટીપી જનરેટ બિલ મળશે જેને ગ્રાહક ગમે ત્યારે જોઈ શકે છે. હવે ગ્રાહકની જ જવાબદારી રહેશે કે તે સમયસર બિલ જોઈ લે અને પેમેન્ટ કરી આપે. આમ થવાથી વીજળી બિલ મોડા ભરવાના બદલે સમસ્યા થાય છે અને દંડ થાય છે તે બધા પ્રશ્નોનો અંત આવશે.
આ પણ વાંચો :CAએ રાજકોટમાં મામાના પુત્રને પણ રુ.4.62 કરોડમાં ફસાવ્યો! GST વિભાગ દ્વારા સમન્સ આવતા ખ્યાલ પડ્યો કે…વાંચો સમગ્ર મામલો
ટોચના અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે, કેન્દ્રીય એજન્સી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ સર્વિસીઝ મારફત રાજ્યોમાં મેન્યુઅલ વીજળી બિલની વ્યવસ્થાને સમાપ્ત કરીને ડિજિટલ બિલ કરવા માટે કામ કરી રહી છે. તેને ડિજિટલ સ્પેસ નેટવર્ક પર જ ડિજિટલ ફોર્મેટમાં રાખવામાં આવશે.દેશભરમાં અનેક રાજ્યોમાં વીજળી બિલને લઈને જાતજાતના પ્રશ્નો સર્જાય છે અને ઘણા બધા લોકો મોડા વીજળી બિલ ભરવાના કારણે થતાં દંડની સામે રોષ ઠાલવે છે, રજૂઆતો કરે છે ત્યારે આ બધી જ સમસ્યાઓનો અંત લાવવા માટે હવે દેશમાં ડિજિટલ વીજળી બિલનો યુગ શરૂ થઈ જવાનો છે.
