રાજકોટમાં 2 વર્ષનું બાળક કેન્સર સામે જંગ હારી ગયું! દાખલ થયાના 3 દિવસ બાદ માતા રજા લીધા વગર જ ઘેર લઈને જતી રહી
નાના બાળકોમાં કેન્સરનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયાનો અહેવાલ તાજેતરમાં જ `વોઈસ ઓફ ડે’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારે આવું જ એક બે વર્ષનું બાળક કેન્સર સામેનો જંગ હારી જતાં પરિવાર હતપ્રભ થઈ ગયો હતો. જો કે આ મામલામાં બાળકના માતાની પણ બેદરકારી હોવાનું સામે આવી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે શહેરના કાલાવડ રોડ પર સયાજી હોટેલ પાછળ વામ્બે આવાસ યોજના બ્લોક નં.30માં રહેતા અરમાન શાહરૂખભાઈ શેખ (ઉ.વ.2)ને કેન્સરની બીમારી હોવાથી ગત 9 ઓક્ટોબરે ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી ત્રણ દિવસ સુધી અરમાનની સઘન સારવાર કરવામાં આવ્યા બાદ તેની માતા 12 ઑક્ટોબરે હોસ્પિટલમાંથી રજા લીધા વગર જ અરમાનને ઘેર લઈને જતી રહી હતી.
આ પણ વાંચો :જેસલમેરમાં બસ બની અગનગોળો : 21 મુસાફર જીવતા ભુંજાયા, DNA સેમ્પલથી થશે મૃતદેહોની ઓળખ, PM મોદીએ સહાયની કરી જાહેરાત
ઘેર જમાડ્યા બાદ મંગળવારે સવારે 10ઃ30 વાગ્યા આસપાસ અરમાનની તબિયત બગડી હતી અને તેણે શ્વાસ લેવાનું બંધ કરી દેતા 108 મારફતે તાત્કાલિક તેને ઝનાના હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ ત્યાં સુધીમાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હોવાનું જાણવા મળ્યું હતું.
