રાજકોટ શહેરના છેવાડે આવેલ માલિયાસણ ગામે નદીના પટમાંથી એક યુવતીની લાશ મળી હતી. ઘટના અંગે તેણીના પરિવારે દીકરીના પ્રેમી પર હત્યા કરી હોવાના આક્ષેપો કર્યા હતા જો કે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ત્રણ બાળકના પિતા એવા પ્રેમીને સકંજામાં લઈને આકરી પૂછપરછ કરી હતી.ત્યારે યુવતીના શરીર પર ઈજાના નિશાન ન હોય જેથી ફોરેન્સિક પીએમ કરવા તજવીજ હાથ ધરી છે.
વિગતો મુજબ, માલિયાસણ ગામે વાડીમાં રહેતી અને ખેત મજુરી કરતી 25 વર્ષીય હેતલબેન રમેશભાઈ રૂડાતલા નામની યુવતીની વાડીથી થોડીક દૂર આવેલ નદીના પટમાંથી રવિવારે લાશ મળી હોવાની જાણ થતા કુવાડવા પોલીસ મથકના પીએસઆઈ ભગોરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. ઘટના અંગે યુવતીના પરિવાર દ્વારા જણાવ્યું હતું કે, હેતલના અઢી વર્ષ પૂર્વે છૂટાછેડા થઈ ગયા હતા જે બાદ તે સોખડા ગામે રહેતા સુરેશ નામના શખસ સાથે ફોનમાં વાતચીત કરતી હતી રવિવારે રાત્રિના 2.30 વાગ્યા સુધી હેતલ વાડીએ હતી તેણી 3 બહેન 3 ભાઈમાં મોટી હતી અને તેના પિતા હયાત નથી વધુમાં પરિવારે આક્ષેપો કર્યા છે કે પ્રેમીએ હેતલને મારમારી હત્યા કરી નાખી છે.
આ પણ વાંચો :રાજકોટની વિવાદિત ડાંગર કોલેજના સંચાલક પુત્ર સામે પોલીસનો ટૂંકો પડી રહેલો પન્નો : હજુ સુધી નથી કરાઇ ધરપકડ
પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને યુવતીના પ્રેમી સુરેશની પુછપરછ કરી તો તેણે જણાવ્યું હતું કે, હેતલે તેને મળવા બોલાવ્યો હતો અહીં તેણી લગ્ન કરવા માટે જીદ કરી હતી જો કે પોતે પરણિત હોય અને ત્રણ સંતાનની જવાબદારી માથે હોય ત્યારે લગ્ન માટે ના પાડી હતી. દરમિયાન હેતલના મોઢામાંથી કંઈક વાસ મારતી હોય જેથી આ અંગે પૂછતાં તેણીએ પોતે દવા પીધી હોવાનું કહ્યું હતું. ડરી ગયેલા યુવકે માતાજીના નામ લઈને રૂમાલમાં સાત ગાંઠ મારીને તેણીના ગળામાં પહેરાવી ત્યાંથી નીકળી ગયો હતો. જો કે પોલીસ સમક્ષ યુવકે આપલું નિવેદન ગળે ન ઉતરતા પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તપાસમાં યુવતીના શરીર ઉપર કોઈ ઈજાના નિશાન જોવા મળેલા નથી ત્યારે તેના વિશેરાના રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સચોટ કારણ બહાર આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.
