ભારે કરી! પ્લેન રિપેર કરનારો એન્જિનિયર બન્યો તસ્કર, લોકો માથું ખંજવાળવા માટે મજબૂર બની જાય તેવો ચર્ચાસ્પદ કિસ્સો
લોકો માથું ખંજવાળવા માટે મજબૂર બની જાય તેવો એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. મહાકાય પ્લેનમાં કોઈ ટેક્નીકલ ખામી આવે તો તેના રિપેરિંગની જવાબદારી સંભાળનારો યુવક તસ્કરો પાસેથી ચોરાઉ મોબાઈલ ખરીદવાના ગુનામાં પોલીસની ઝપટે ચડી જતાં સનસનાટી મચી જવા પામી હતી.
સુરતની ઉધના પોલીસે શહેરના અનેક વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કરનારા બે લોકો રવિ રૂમાલભાઈ રાજનટ (ઉ.વ.31) અને સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ (ઉ.વ.44)ને પકડી હતા. આ બન્ને પાસેથી પોલીસે ચોરીના 279 મોબાઈલ ફોન કબજે કરીને પૂછપરછ કરતા બન્નેએ કબૂલાત આપી હતી કે તેઓ મોબાઈલ ચોરીને સુરત એરપોર્ટ ઉપર એરલાઈન્સમાં નોકરી કરતા ધીરજ રવિન્દ્રભાઈ ઝોપે (ઉ.વ.25)ને સસ્તા ભાવે વેચી નાખતા હતા.

આ કબૂલાતના આધારે પોલીસે ધીરજને પણ ઉઠાવી લીધો હતો અને આગવી ઢબે પૂછપરછ કરતા તે ચોરીના મોબાઈલ ખરીદતો હોવાની કબૂલાત આપી હતી. આ અંગે ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું કે ધીરજ સુરત એરપોર્ટ પર એરલાઈન્સ કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરે છે. જો પ્લેનમાં કોઈ ટેક્નીકલ ખામી આવે તો તેનું રિપેરિંગ કરવાની જવાબદારી ધીરજ ઝોપેની હોય છે. ધીરજ ચોરાઉ મોબાઈલ ખરીદ કર્યા બાદ તેના પાર્ટસ અલગ કરી નાખતો હતો અને પછી તેને ઉંચા ભાવે વેચી નાખતો હતો. રવિ અને સંતોષ ચોરાઉ ફોન વેચવા દરમિયાન ધીરજના સંપર્કમાં આવ્યા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી રિમાન્ડ ઉપર લીધા હતા.
ઉલ્લેખનીય છે કે નવરાત્રિ સહિતના તહેવારો દરમિયાન મોબાઈલ ચોરીની ફરિયાદમાં ચિંતાજનક વધારો આવ્યો હોય પોલીસે આ દિશામાં ગંભીરતાપૂર્વક ધ્યાન કેન્દ્રીત કરી તસ્કરોનું પગેરું દબાવવા બાતમીદારો તેમજ ટેક્નીકલ સોર્સનું નેટવર્ક એક્ટિવ કર્યું હતું જેના પરિણામે મોટી સફળતા મળી હતી.

પાર્ટસ અલગ કરવા હાઈટેક મશીન વસાવ્યું હતું
એન્જિનિયર ધીરજ ઝોપેએ ચોરાઉ મોબાઈલમાંથી પાર્ટસ અલગ કરવા માટે હાઈટેક મશીન ખરીદ કર્યું હતું. તે કોઈ પણ કંપનીનો મોબાઈલ હોય પછી તેમાં એપલ કંપની હોય તો તેનો પણ લોક અને ઈએમઆઈ નંબર બદલી આપવાની ગેરંટી આપતો હતો સાથે સાથે મોબાઈલના પાર્ટસ બજારમાં વેચી નાખતો હતો. મોબાઈલ રિપેરિંગનું કામ કરનારાને જે પણ મોબાઈલ પાર્ટસની જરૂર હોય એ પાર્ટસ તે ઉંચા ભાવે વેચતો હતો.
આ પણ વાંચો :IND vs WI : દિલ્હી ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાની 7 વિકેટે જીત, વેસ્ટ ઇન્ડીઝને ક્લીન સ્વીપ કર્યું, બીજી ઇનિંગમાં રાહુલની ફિફટી
મોબાઈલ રિપેરિંગ કરનારાનું એક વૉટસએપ ગ્રુપ પણ બનાવ્યું’તું
ધીરજે મોબાઈલ રિપેરિંગ કરનારા વેપારીઓનું એક વૉટસએપ ગ્રુપ પણ બનાવ્યું હતું. તે ચોરાઉ મોબાઈલ સંતોષ અને રવિ પાસેથી ચોરાઉ મોબાઈલ ખરીદ કર્યા બાદ તેમાંથી પાર્ટસ કાઢી કયા કયા પાર્ટસ ઉપલબ્ધ છે તેની માહિતી ગ્રુપમાં શેયર કરતો હતો. આ કારસ્તાન તે છેલ્લા એક વર્ષથી કરતો હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું છે. પોલીસે ધીરજના ઘરમાંથી કુલ 263 મોબાઈલ કબજેકર્યા હતા.
