RMCના એક અધિકારીએ બૂટની લેસ બાંધતાં બાંધતાં કહ્યું, અમે તો કાર્યક્રમોથી થાક્યા, બીજા અધિકારીએ કહ્યું, મારે તો 54 વર્ષે જ નિવૃત્તિ…! વાંચો કાનાફૂસી
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આડે હવે ત્રણેક મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો માટે રાત નાની અને વેશ જાજા જેવો માહોલ થઈ ગયો છે. બીજી બાજુ સરકાર તરફથી પણ ચૂંટણીને ધ્યાનમાં રાખી એક બાદ એક કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે જેમાં તંત્રના અધિકારીઓની લેફ્ટ-રાઈટ થવા લાગી છે. માહોલ એવો છે કે દિવાળી નજીક હોવા છતાં તંત્રના અલગ-અલગ વિભાગના અધિકારીઓને મળીએ ત્યારે તેમના મોઢા ઉપર પર્વની ખુશી નહીં પરંતુ હવે આગળ કયો કાર્યક્રમ આવશે તેની ચિંતા વધુ જોવા મળી રહી છે ! આવા જ ત્રણેક `થાકેલા’ અધિકારીઓ અંદરોઅંદર `કાનાફૂસી’ કરતા સાંભળવા મળ્યા હતા. એક અધિકારીએ પોતાના બૂટની લેસ બાંધતાં બાંધતાં કહ્યું હતું કે યાર, હવે આ કાર્યક્રમો પૂરા થાય તો સારું. આપણી તો હાલત ખરાબ થઈ ગઈ છે. એક બાજુ રૂટિન વર્ક, બીજી બાજુ અધિકારીઓનું `લેસન’, ત્રીજી બાજુ પદાધિકારીઓની `ભલામણ.’ આ બધું મેનેજ કરવામાં વ્યક્તિગત લાઈફ તો સાવ ખોરંભાઈ ગઈ છે. આ સાંભળી બીજા એક અધિકારીએ તુરંત જ જવાબ આપ્યો હતો કે આમને આમ જ ચાલ્યું તો મારે 60 નહીં 54 વર્ષે નિવૃત્ત થઈને કોઈ સારો વ્યવસાય શરૂ કરી દેવો છે ! દર બે-ત્રણ દિવસે લાંબોલચક ડેટા માંગવામાં આવી રહ્યો છે. ડેટા આપવામાં વાંધો નથી પરંતુ અગાઉ અપાઈ ગયેલો જ ડેટા ફરી માંગવામાં આવે ત્યારે માથાનો ઘા લાગે છે ! જ્યારે ત્રીજા અધિકારીએ પણ ચર્ચામાં ઝંપલાવીને કહ્યું કે જે રીતે આપણા પાસેથી કામ લેવાઈ રહ્યું છે તેને જોતાં તમને નથી લાગી રહ્યું કે આપણને એક લાં…બા બે્રકની જરૂર છે !
એવું તો શું થયું હશે કે દસ જ દિવસમાં એક અધિકારીનું હૃદય પરિવર્તન થઈ ગયું…
રાજકોટમાં જ્યારથી ટીઆરપી અગ્નિકાંડ સર્જાયો છે ત્યારથી લઈ આજ સુધીમાં અનેક અધિકારીઓ કામના-ભલામણના `ભારણ’થી કંટાળીને રાજીનામું આપી ચૂક્યા છે તો અનેક હજુ સસ્પેન્શન પીરિયડ ભોગવી રહ્યા છે. એક સમય એવો આવ્યો કે જ્યારે રાજીનામાને બે્રક લાગી ગઈ હતી. આ માહોલ જોઈ ફરી બધું સરખું થઈ હશે તેવું સૌને લાગી રહ્યું હતું પરંતુ દસ દિવસ પહેલાં એવું કશુંક બન્યું જેની કોઈએ કલ્પના પણ કરી નહીં હોય. મહાપાલિકામાં મહત્ત્વના વિભાગમાં ફરજ બજાવતા એક અધિકારીએ અંગત કારણોસર પોતાનું રાજીનામું ધરી દીધું હતું. આ પછી તેમના પાસે રાજીનામાનું કારણ પણ લેવાયું હતું. જો કે દસ દિવસની અંદર જ જાણે કે તેમનું હૃદય પરિવર્તન થઈ ગયું હોય તે પ્રકારે તેમણે સામેથી જ અરજી કરીને પોતાને ફરીથી નોકરી પર લેવામાં આવે તેવી માંગ કરી દીધી હતી ! આ જોઈ અધિકારી પણ મુંઝાયા હતા અને હાલ આ મુદ્દે ચર્ચા અને વિચારણા ચાલી રહી છે પરંતુ `રાજીનામું આપ્યું-રાજીનામું પરત ખેંચ્યું’ને કારણે હાલ આ મુદ્દો `પાર્કિંગ’ થવાનું નામ લઈ રહ્યો નથી !!
આ પણ વાંચો :ટ્રાવેલ સેકટરમાં 125 કરોડની ‘દિવાળી’: વિયતેનામ-બાલી ફેવરિટ ડેસ્ટિનેશન! કાશ્મીર,હિમાચલ-ઉત્તરાખંડ માટે પ્રવાસીઓની સંખ્યા ઘટી
બે કોર્પોરેટર વાતચીત કરવા બાથરૂમમાં ગયા’ને મેયર-ધારાસભ્ય વચ્ચે જામી પડી !
તાજેતરમાં જ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 418 કરોડના કામને બહાલી આપવામાં આવી હતી. અત્યાર સુધી એવું બનતું હતું કે કમિટીની બેઠક મળે તે પહેલાં પક્ષની સંકલન બેઠક થોડી જ મિનિટમાં પૂર્ણ થઈ જતી હતી પરંતુ આ વખતે એકાદ કલાક સુધી ચર્ચા ચાલી હતી જેના કારણે અધવચ્ચેથી બે્રક લઈ બે કોર્પોરેટરે વધુ ચર્ચા કરવા માટે બાથરૂમ જવાનો રસ્તો પસંદ કર્યો હતો. આ બન્ને સાથે બાથરૂમ ગયા પણ હતા અને અંદર કશીક વાતચીત પણ કરી હતી પરંતુ જેવી બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ કે કોન્ફરન્સ રૂમમાં બે મહિલાઓ વચ્ચે ઉગ્ર સ્વરે વાતચીત સાંભળી જતા બહાર કંઈક થયું છે તેવું પામીને બન્ને બહાર નીકળી ગયા હતા. આ સમયે મેયર નયનાબેન પેઢડિયા અને ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ વચ્ચે ઉદ્ઘાટકનું નામ લખવા મુદ્દે ગરમાગરમ ચર્ચા જોઈ બન્ને કોર્પોરેટરે મનમાં ને મનમાં કહ્યું હતું કે આના કરતા બાથરૂમ ગયા જ ન હોત તો સારું હતું…!!
આ પણ વાંચો :ઘીના ઠામમાં ઘી: લાંબી ચર્ચાને અંતે NDAમાં બેઠકોની વહેંચણી ફાઈનલ,રીસામણા-મનામણા બાદ બધાની બાજી ગોઠવાઇ ગઇ
ક્રાઈમ બ્રાન્ચમાં એક કે બે PSI બદલાશે; નવી એન્ટ્રી માટે ‘લોબિંગ’ શરૂઃ ‘નિષ્ક્રિય’ને પણ છૂટા કરાશે
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી તરીકે જગદીશ બાંગરવાએ ચાર્જ સંભાળતાની સાથે જ ડીસીબી મતલબ કે ડિટેક્શન ક્રાઈમ બ્રાન્ચે મુખ્યત્વે શું શું કામગીરી કરવાની હોય છે તેના માપદંડ સેટ કરી દીધા હતા સાથે સાથે અગાઉથી ચાલી આવતી પરંપરા જેમાં ત્રણ મહિનામાં નામ પૂરતી જ કામગીરી કરી હોય તેમને છૂટા કરવાની સિસ્ટમ પણ જાળવી રાખી છે. જો કે નવું બિલ્ડિંગ બન્યું ત્યારથી લઈ આજ સુધી ક્રાઈમ બ્રાન્ચમાંથી પીએસઆઈની રવાનગી થઈ નથી તે પણ નોંધનીય છે ત્યારે આ સિલસિલો ટૂંક સમયમાં તૂટવાનો છે તે વાત નિશ્ચિત છે. ડીસીબીમાંથી એક કે બે પીએસઆઈને બદલાવવાનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે. ટૂંક સમયમાં આખા શહેરમાં પીએસઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવનાર છે તેમાં આ એક કે બે પીએસઆઈનું નામ પણ હશે. બીજી બાજુ અન્ય જિલ્લામાંથી રાજકોટમાં અત્યારે ઘણા પીએસઆઈ હાજર થયા છે ત્યારે તેમના દ્વારા `છેડા’ શોધી પોતે બ્રાન્ચમાં આવે તે માટે લોબિંગ શરૂ કરવામાં આવ્યાની કાનાફૂસી પણ સાંભળવા મળી હતી. વળી, એક અધિકારીની ચેમ્બરમાં જ પીએસઆઈ બ્રાન્ચમાં આવવા માટે `ટ્રાય’ કરી રહ્યાનું દૃશ્ય જોવા મળ્યું હતું.
નિર્લિપ્ત રાય હજુ રાજકોટ રેન્જમાં મુકાયા પણ નથી ત્યાં અમુકના ભવાં ઉંચકાઈ ગયા !
ગૃહ વિભાગ દ્વારા 116 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમ મહિનાઓ પહેલાં કરવામાં આવ્યા હતા પરંતુ રાજકોટ સહિતની અમુક રેન્જના આઈજીની બદલી કરવાનું ટાળ્યું હતું. હવે આ બદલી સરકારનું મંત્રીમંડળ ઠરીઠામ થઈ ગયા બાદ કરવામાં આવશે તેવી વાતે જોર પકડ્યું છે ત્યારે ઘણા લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ડીઆઈજી તરીકે કાર્યરત નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જમાં મુકાવાના છે. જો કે આ માત્ર ચર્ચા જ છે અને હજુ સત્તાવાર કોઈ જ માહિતી સામે ન હોવા છતાં નિર્લિપ્ત રાયનું નામ સાંભળીને અમુક અધિકારીઓના ભવાં ઉંચકાઈ જવા પામ્યા હતા. આ મુદ્દે એક અધિકારી બીજા અધિકારી સાથે એવી `કાનાફૂસી’ કરતા સાંભળવા મળ્યા હતા કે તો પછી આપણે અન્ય રેન્જમાં જવા માટે પ્રયત્ન શરૂ કરી દેવા જોઈએ કે નહીં ? જો કે અધિકારીઓનો અમુક વર્ગ નિર્લિપ્ત રાયને રાજકોટ મુકવામાં નહીં આવે તેવી તર્ક સાથે દલીલ પણ કરી રહ્યો છે. તેમની દલીલ છે કે નિર્લિપ્ત રાયને માત્ર રિબડા અને ગોંડલ મુદ્દાને જ ધ્યાનમાં રાખીને મુકવામાં આવે તે વાતમાં કોઈ માલ નથી કેમ કે આ મુદ્દો અમુક માધ્યમ સિવાય બીજે ક્યાંય ચર્ચામાં નથી. અમે તો ગ્રાઉન્ડ સ્તરે જઈને કામ કરીએ છીએ એટલા માટે માધ્યમમાં જે પ્રકારે બતાવાઈ રહ્યું છે સાચે જ તેવી કોઈ સ્થિતિ નથી !!
