35 વર્ષે 106 કરોડના ખર્ચે ભાદરડેમની પાઇપલાઇન બદલાવાશે: રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મળી મંજૂરી
આજ રોજ રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કરોડોના વિકાસકાર્યોને મંજૂરી મળી છે. રાજકોટ મનપાએ વિકાસના દ્વાર ખોલ્યા છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નવી વર્કિંગ વુમન હોસ્ટેલ સહિત 83 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. ‘વર્કિંગ વુમન હોસ્ટેલ’ અને ‘ભાદર ડેમ પાઇપલાઇન’ની દરખાસ્તને મંજૂરીની મહોર આપવામાં આવી છે.
રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતાં ભાદર ડેમથી રીબડા સુધીની પાઈપલાઈન 35 વર્ષ પહેલાં એટલે કે 1990માં ફિટ કરવામાં આવી હોય હાલ તેની હાલત એકદમ ખરાબ થઈ જવા ઉપરાંત રાજકોટ-જેતપુર હાઈ-વે ફોર-ટ્રેકમાંથી સિક્સ-ટ્રેક થઈ રહ્યો હોય તેની કામગીરીમાં પણ નડતરરૂપ થઈ રહી હોય પાઈપલાઈનને અન્ય ખસેડવા માટે નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા મહાપાલિકાને જાણ કર્યા બાદ હવે આખીયે લાઈનને રસ્તાની વચ્ચોવચ્ચથી દૂર ખસેડીને સાઈડમાં સ્થળાંતરિત કરવા તેમજ નવી જ લાઈન બિછાવવા માટે 106 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો :ભારતમાં ક્યાંય નથી તેવી વર્કિંગ વિમેન હોસ્ટેલ રાજકોટમાં બનશે : 95 રૂમમાં 252 મહિલાઓ રહી શકશેઃ સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્તને આપી મંજૂરી
આ માટે ત્રણ તબક્કા જેમાં પ્રથમ તબક્કો જેતપુર-રાજકોટ નેશનલ હાઈ-વે પર ભાદર પાણી પૂરવઠા આધારિત 1016 મીમી ડાયાની એમએસ પાઈપલાઈન ગોમટા ચોકડીથી ગોંડલ પમ્પીંગ સ્ટેશન સુધી, બીજો તબક્કો ગોંડલ પમ્પીંગ સ્ટેશન (ચેઈનેઝ 143.950) થી ચેઈનેઝ 153.487 કે જેને હાઈ-વે ઓથોરિટી દ્વારા માઈલસ્ટોન તરીકે ગણવામાં આવે છે ત્યાં સુધી અને ત્રીજો તબક્કો ચેઈનેઝ 153.847થી રીબડા સુધી સમાવિષ્ટ રહેશે. અત્યાર સુધી આ લાઈન મારફતે 40 એમએલડી પાણી મળતું હતું પરંતુ હવે લાઈન પહોળી કરવાથી 50 એમએલડી પાણી રાજકોટને પ્રાપ્ત થશે જે ત્રણેક લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડશે તેમ વોટર વર્કસ વિભાગના ઈજનેર કે.પી.દેથરિયાએ જણાવ્યું હતું. જો કે આ માટે હાઈ-વે ઓથોરિટીને પણ મહાપાલિકા દ્વારા ચાર કરોડથી વધુનો ચાર્જ ચૂકવશે.
